હાલમાં દેશના ઘણા રાજ્યોમાં SIRની કામગીરી ચાલી રહી છે. દરમિયાન વધારે પડતાં કામના પ્રેશરના કારણે BLOની તબિયત લથડવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગયા મહિને વડોદરામાં SIRની કામગીરી વચ્ચે એક કર્મચારીની તબિયત લથડી ગઈ. જેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉકટરે કર્મચારીને મૃત જાહેર કર્યા હતા. એવામાં હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ સલાયા ખાતે આંગણવાડી કાર્યકર્તાને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.
માહિતી પ્રમાણે, SIR કામગીરી દરમિયાન અરુણાબેન ઉર્ફે અમૃતબેન કાતરીયાને છાતીમાં દુખાવો ઉપડ્તા તાત્કાલિક સલાયા આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત નાજુક હોવાને કારણે તેમણે વધારે સારવાર માટે જામનગર જી જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જી જી હોસ્પિટલમાં 24 કલાક સુધી ICUમાં સારવાર બાદ ડૉક્ટરે વધારે સારવાર માટે તેમને રાજકોટ રિફર કરવાની સલાહ આપી છે.

એવામાં તેમના પરિવારજનો SIR કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. સખત કામના ભારણને લઈને તેમની તબિયત લથડતા પરિવારજનોમાં રોષ છે. પરિવારજનોનું કહેવું છે કે સામાન્ય આંગણવાડી કાર્યકર્તા નહીં, આટલા પ્રેશરવાળું કામ આપે. હવે કોઈ અધિકારીઓ અમારી ખબર પૂછવા પણ આવતા નથી. સરકાર દ્વારા BLO પર કામનું સખત ભારણ નાખવામાં આવતા તેમના પર ભારે પ્રેશર આવી ગયું છે, એના કારણે અવારનવાર આવા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સરકારની ફરજ બને છે કે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે સરકારે ઊભા રહેવું જોઈએ
જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી કે જ્યારે BLOની સખત પ્રેશરના કારણે તબિયત બગડી હોય. વડોદરામાં SIRની કામગીરી વચ્ચે એક કર્મચારીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટરે BLO કર્મચારીને મૃત જાહેર કર્યા હતા. અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા સરકારી શિક્ષક અને BLOએ માનસિક તણાવ તેમજ કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કરી લીધી. આ પછી BLOની કામગીરી અંગે ઘણો વિવાદ ઉભો થયો.


