સમાજસેવી અન્ના હજારેએ ફરી એકવાર આંદોલનનું એલાન કર્યું છે. 30 જાન્યુઆરી, 2026થી મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિમાં તેઓ ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યા છે અને આ હડતાળ તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે. અન્નાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને ચેતવણી આપી કે, જો કાયદો તુરંત લાગુ કરવામાં નહીં આવે તો તેઓ પ્રાણ ત્યાગી દેશે પરંતુ, પીછેહઠ નહીં કરે. અન્નાની આ જાહેરાતથી ફરી એકવાર મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે, આ પહેલાં 2011માં અન્ના હજારેએ દિલ્હીના રામલીલા મેદાનથી ભૂખ હડતાળ કરી હતી. જેની અસર એ થઈ કે, કેન્દ્રની સાથોસાથ દિલ્હી સરકારે પણ ખુરશી ખાલી કરવી પડી. જોકે, અન્નાના આંદોલનની ચેતાવણીના બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે સવાલ એ છે કે, અન્ના હજારેએ અચાનક ફરી આંદોલનની જાહેરાત કેમ કરી? આ વખતે ભૂખ હડતાળનું કારણ મહારાષ્ટ્રના લોકાયુક્ત કાયદાને લઈને થઈ રહેલો વિલંબ છે. રાજ્યમાં લોકાયુક્ત કાયદાને મંજૂરી મળ્યાના બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ, હજુ સુધી કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. જેનાથી નારાજ અન્ના હજારે એકવાર ફરી આંદોલનના મૂડમાં આવ્યા છે.

અન્ના હજારે લાંબા સમયથી મહારાષ્ટ્રમાં મજબૂત લોકાયુક્ત કાયદાની માંગ કરી રહ્યા છે. અન્ના હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સ્પષ્ટ કર્યું કે, ‘જો લોકાયુક્ત કાયદો તુરંત લાગુ કરવામાં નહીં આવે તો હું 30 જાન્યુઆરી, 2026થી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરી દઇશ. હાર્ટ એટેકથી મરવાની બદલે દેશ અને સમાજના હિતમાં પ્રાણ ત્યાગવો મારા માટે સૌભાગ્યની વાત હશે.’
નોંધનીય છે કે, અન્નાની ચેતવણીના બીજા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ કાયદાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભામાં આ એક્ટ હેઠળ IAS અધિકારીઓને પણ સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. જે હેઠળ મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો, 2023ને સંશોધિત કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આનાથી રાજ્યની વહીવટી વ્યવસ્થાઓમાં પારદર્શિતા વધશે. આ પ્રસ્તાવને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી જ વિધાનસભામાં મૂકવામાં આવ્યો, જેને મંજૂરી મળી ગઈ. હવે આ સંશોધનથી કાયદામાં સ્પષ્ટતા આવી ગઈ કે, આખરે લોકાયુક્તમાં કોનો-કોનો સમાવેશ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકાર તરફથી તૈનાતી મેળવેલા IAS અધિકારી પણ લોકાયુક્ત કાયદા હેઠળ જવાબદેહ રહેશે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, લોકાયુક્ત કાયદાને ક્યારથી લાગુ કરવામાં આવશે. અન્ના હજારેની એ ફરિયાદ છે કે, મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાને લાગુ કરવામાં નથી આવી રહ્યો. લોકપાલ અને લોકાયુક્ત કાયદો, 2013 હેઠળ રાજ્યમાં પણ લોકાયુક્તની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
અન્ના હજારે અનુસાર, લોકાયુક્ત બિલ 2022માં વિધાનસભામાંથી અને 2023માં વિધાન પરિષદમાંથી પસાર થઈ ચુક્યું છે. 2024માં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ, તેમ છતાં આજ સુધી કાયદો લાગુ કરવામાં નથી આવ્યો. રાજ્યસભાએ આ બિલ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે કેન્દ્રને મોકલ્યું છે. પરંતુ, એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ પ્રગતિ જોવા મળી નથી.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં અન્ના હજારેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ એમનો અંગત મુદ્દો નથી પરંતુ, દેશની જનતા અને ભ્રષ્ટાચાર સામે લડાઇનો સવાલ છે. રાજ્ય સરકારમાં આ પ્રકારના કાયદાને લાગુ કરવાની ઈચ્છાશક્તિ જોવા નથી મળી રહી. તેથી મારી પાસે ભૂખ હડતાળ સિવાય કોઈ બીજો રસ્તો નથી વધ્યો.
નવા સંશોધન અનુસાર, રાજ્યના કોઈ બોર્ડ, નિગમ, સમિતિ અથવા અન્ય સંસ્થામાં તૈનાત IAS અધિકારીઓને પણ આ એક્ટ હેઠળ કવર કરવામાં આવશે. જે હેઠળ એ તમામ અધિકારીઓને સામેલ કરવામાં આવશે, જેની નિયુક્તિ રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદામાં કોઈ પણ પ્રકારની ગુંચવણ નહીં થાય અને નિયમોને લઈને સ્પષ્ટતા રહેશે.


