અંબાજીને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવા સમગ્ર વિસ્તારમાં 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઝભલાં અને અન્ય પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉમદા હેતુસર સ્થાનિક તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાત્રાધામની પવિત્રતા જાળવવા માટે હવે અંબાજીના સમગ્ર વિસ્તારમાં 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઝભલાં અને અન્ય પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ આગામી ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે. આ નિયમનું પાલન સમગ્ર અંબાજીમાં ધંધો કરતા તમામ વેપારીઓ તેમજ સ્થાનિક નિવાસીઓએ ફરજિયાતપણે કરવાનું રહેશે. યાત્રાધામમાં પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિવારણ માટે આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા થતા પ્લાસ્ટિકના વપરાશથી પ્રદૂષણની સમસ્યા વકરતી હતી.

તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિયમોનો ભંગ કરનારા વેપારીઓ કે સ્થાનિકો સામે કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ શ્રદ્ધાના આ કેન્દ્રને સ્વચ્છતાના માપદંડો પર ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે. અંબાજીમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે લેવાયેલા આ પગલાને સ્થાનિક આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓએ આવકાર્યો છે.


