આજે સવારે ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદની શાળાઓમાં ઈ-મેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ હતી.
સોશિયવ મીડિયા પર જેવા સમાચાર વહેતા થયા વાલીઓ ડરના માર્યા સ્કુલ તરફ બધુ કામ ધંધો છોડીને દોડી ગયા હતા. પહેલા 7 સ્કુલને આ ધમકી મળી અને અમદાવાદમાં આ આંકડો સતત વધીને હવે 12 શાળાઓ સુધી પહોંચી ગયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો છે. બીજી તરફ, ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

અગત્યની સૂચના
સુજ્ઞ વાલીશ્રી,
હાલમાં અન્ય શાળા (ઝાયડસ સ્કૂલ) સંદર્ભે સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વહેતા થયેલા સમાચારોને ધ્યાનમાં રાખી, આપણી શાળા દ્વારા સાવચેતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આજે શિશુમંદિરના વિદ્યાર્થીઓને અત્યારે 12:15 pm કલાકે વહેલી રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલ બસ કે વાન દ્વારા આવે છે, તેમના માટે બસ અને વાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જ્યારે જે બાળકોને વાલીઓ લેવા આવે છે તેમણે સમયસર શાળાએથી બાળકને લઈ જવા વિનંતી છે. ખાસ જણાવવાનું કે આપણી શાળામાં આ પ્રકારની કોઈ જ નકારાત્મક પરિસ્થિતિ નથી, તેથી વાલીઓએ જરા પણ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. માત્ર અગમચેતી અને સલામતી જળવાય તે હેતુથી જ આ વ્યવસ્થા કરવામાં આવી હોય, આપ સૌને શાંતિ જાળવવા અને શાળા વહીવટમાં સહકાર આપવા નમ્ર અપીલ છે. જ્યાં સુધી આપ લેવા નહીં આવો ત્યાં સુધી બાળકોને અમે સાચવીશું
આવા મેસેજ શાળા તરફથી મળતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


