મેવાડના શાહી પરિવારની અંદર સંપત્તિની વહેચણીનો ડખો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો મહારાજા અરવિંદ સિંહ મેવાડના વસિયતનામાને પડકાર ફેંકે છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે અન્ય ઘણા કેસ હજુ ચાલી રહ્યા છે તો તે પણ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ અને રાજસ્થાન હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તે તમામ સંબંધિત કેસ અને દસ્તાવેજ દિલ્હી હાઈકોર્ટને મોકલે, દિલ્હી હાઈકોર્ટમાં આ તમામ મામલાઓની સુનાવણી જાન્યુઆરી 2026માં થશે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટના ધ્યાને એ પણ મૂક્યું હતું કે એક અરજી વહીવટદારની નિમણૂકને લઈને પણ છે. કેમ કે આ વિવાદમાં મોટી માત્રામાં ઘરેણાં અને અન્ય કિંમતી જંગમ સંપત્તિઓ પણ છે.

1930-1955 સુધી મેવાડ રજવાડા પર મહારાણા ભૂપાલસિંહે રાજ કર્યું, તેમણે કોઈ સંતાન ન હતું જેથી તેમણે ભગવતસિંહ મેવાડને ગોદે લીધા હતા. તેમણે જીવનના અંતિમ સમયમાં એપ્રિલ 1955માં એકલિંગજી ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
ભગવતસિંહ મેવાડને ત્રણ સંતાનો હતો, જેમાં બે પુત્ર મહેન્દ્રસિંહ અને અરવિંદ સિંહ તેમજ એક પુત્રી યોગેશ્વરી કુમારી હતી. મેવાડ પરિવારમાં સંપત્તિ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભગવતસિંહ મેવાડે પારિવારિક સંપત્તિઓને વેચવા અને ભાડે (લીઝ) પર આપવાનો નિર્ણય લીધો. તેમનું આ વલણ મોટા પુત્ર મહેન્દ્રસિંહને ન ગમ્યું અને પિતાના નિર્ણયને કોર્ટમાં પડકારી દીધો. પુત્રની હરકતથી ભગવતસિંહ મેવાડ ખૂબ જ નારાજ થઈ ગયા હતા. ગુસ્સામાં તેમણે વસિયતનામું અને સંપત્તિથી જોડાયેલી દરેક જવાબદારી નાના પુત્ર અરવિંદસિંહ મેવાડને સોંપી દીધી. જે બાદ મહેન્દ્રસિંહને મેવાડા ટ્રસ્ટમાંથી લગભગ બરતરફ કરી દેવાયા. 3 નવેમ્બર 1984ના રોજ ભગવંતસિંહ મેવાડનું નિધન થયું જે બાદ સંપત્તિનો વિવાદ વધુ વકર્યો.
અંદાજિત 37 વર્ષો સુધી કાયદાકીય યુદ્ધ ચાલ્યું જે બાદ 2020માં ઉદયપુર જિલ્લા કોર્ટએ ચુકાદો આપ્યો. કોર્ટે વિવાદિત સંપત્તિને ચાર ભાગમાં વહેચવાનો આદેશ કર્યો જેમાં એક હિસ્સો ભગવતસિંહ મેવાડના નામે તો બાકીના ત્રણ હિસ્સા ત્રણેય સંતાનો વચ્ચે વહેંચી દીધા. કોર્ટના આ નિર્ણયથી વધારે સંપત્તિ અરવિંદસિંહ મેવાડના કબજામાં આવી ગઈ, જ્યારે મહેન્દ્રસિંહ અને તેમની બહેન યોગેશ્વરી કુમારીના ભાગે ઓછી મિલકત આવી. જિલ્લા કોર્ટે શંભુ નિવાસ પેલેસ, બડી પાલ અને ઘાસ ઘર જેવી મિલકત સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ મૂકી દીધો.
આ વર્ષ જ 16 માર્ચ 2025ના રોજ અરવિંદસિંહ મેવાડનું નિધન થઈ ગયું. તેમના પત્ર સંતાન છે. એક પુત્ર લક્ષ્યરાજસિંહ મેવાડ અને બે દીકરીઓ ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી મેવાડ, લક્ષ્યરાજસિંહ મેવાડ હાલ પરિવારના ઉત્તરાધિકારી છે અને HRH ગ્રુપ ઓફ હોટલ્સના માલિક પણ છે. બહેન પદ્મજા સાથે તેમનો સંપત્તિ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.


