વડા પ્રધાન નરેન્દ્રભાઈનો ડ્રિમ પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનાં
વિખ્યાત શિલ્પકાર સર્જક , ડિઝાઇનર અને મુખ્ય ઈજનેર રામ વણજી સુતાર હવે આપણી વચ્ચે રહ્યાં નથી.100 વર્ષની વયે તેમનું નિધન થયું છે. નોઈડાના સેક્ટર 19 સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.કોઇ મહાન કલાકાર શતાયું ભોગવે એ પણ એક મોટી વાત છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્જક રામ સુતાર 93 વર્ષના હતા ત્યારે તેમણે એકતા નગરની મુલાકાત લીધી હતી.પ્રસંગ હતો પ્રતિમા શિલ્પીની બીજી મુલાકાતનો.સર્જક (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના દર્શને બીજીવાર પધાર્યા હતા.શિલ્પકાર રામ સતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ડિઝાઈન તૈયાર કરી હતી.પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત રામ વી.સુતારની કલ્પનાનું આ પરિણામ હતું.તેઓએ ૯૩ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો, વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા. સુતાર ૨૦૧૮ થી ૨૦૨૪ વચ્ચે એકતા નગરમાં થયેલ વિકાસને જોઇને ખૂબ જ ખુશી વ્યકત કરી હતી.

સુતારે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક તેઓએ નજરે નિહાળી હતી.
વિખ્યાત શિલ્પકાર રામ સુતારે જણાવ્યું હતું કે આ મારા જીવનની સૌથી મોટી પ્રતિમા છે. જ્યારે મેં આ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું તે પહેલા મેં સરદાર વલ્લભભાઈ પટેલ પર સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. તેઓ કઈ રીતે તેઓ કપડાં પહેરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિચારે છે તે બધી વાતો ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવ્યું છે.
એ ઉપરાંત રામ સુતારનાં ઓબ્ઝર્વેશન હેઠળ જ ચીનમાં આ મૂર્તિની કાસ્ટિંગ થઇ હતી. ત્યારબાદ એનાં એક એક ભાગને ગુજરાતમાં લાવવામાં આવ્યા. રામ વી સુતારનાં જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર ધાતુઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિનું વજન 1700 ટન છે અને ઉચાઇ 182 મીટર એટલે કે 522 ફીટ છે.એટલે કે 182 મીટર ઊંચી છે. આ પ્રતિમાનું નિર્માણ 85% કૉપર 5% ટીન 5% લેડ અને 5% જસતને મિશ્ર કરીને કરવામાં આવ્યું છે. આ મિશ્રણની ખાસિયત એ છે કે તેને કયારેય કાટ નથી લાગતો, તેમજ પાણી, માટી અને ભારે વરસાદની પણ અસર નથી થતી.
રામ સુતાર મહાત્મા ગાંધીથી ઘણા પ્રભાવિત હતા. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી વિદેશી કપડાંના બહિષ્કારનું આંદોલન ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના ધુલિયા ગામ આવ્યા હતા. જ્યાં મુલાકાત થઈ હતી. તેમનાથી પ્રેરિત થઈને મેં મારી ટોપી સળગાવી દીધી હતી.તેમણે કહેલું કે મેં અત્યાર સુધીમાં સૌથી વધારે મૂર્તિ ગાંધીજીની બનાવી છે.તેમણે મહાત્મા ગાંધી ની 350થી વધુ પ્રતિમાઓ બનાવી છે જે દેશભરમાં સ્થાપિત છે.રામ સુતારે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને ઇટાલી સહિત વિશ્વના ઘણા દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત કરીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

૪૫ ફૂટ ઊંચી દેવીની પ્રતિમા બનાવવા માટે તેમને એ જમાનામાં ૧૦ હજાર રૂપિયા મળ્યા હતા, તે મૂર્તિ એટલે ચંબલ દેવીની મૂર્તિ. એ કામથી તેમની ખ્યાતિ વધી. તેમણે ૧૦૦ વર્ષના જીવનકાળ દરમિયાન દેશમાં ૪૦૦થી વધુ વિખ્યાત મૂર્તિઓ બનાવી છે.તેમણે ગાંધીજી, સરદાર, ડૉ. આંબેડકર જેવી વિભૂતિઓની મૂર્તિ ઉપરાંત ભગવાન રામ, શિવાજી વગેરેની મૂર્તિઓ બનાવી હતી.ગોવાના જીવોત્તમ મઠમાં શ્રીરામની પ્રતિમા કે જેનું હજુ તાજેતરમાં જ વડાપ્રધાને અનાવરણ કર્યું હતું તે, મધ્યપ્રદેશના ગાંધી સાગર ડેમ પર ચંબલ માતાની મૂર્તિ, અમૃતસરમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા જેવી કેટલીય મૂર્તિઓ તેમણે જ બનાવી હતી.
તેમણે દેશ વિદેશની પ્રખ્યાત પ્રતિમાઓને આકાર આપ્યો. રામ સુતાર પથ્થર, આરસ અને કાંસ્ય સહિત વિવિધ માધ્યમોમાં કામ કરતા હતા, પરંતુ કાંસ્ય તેમની પ્રિય ધાતુ હતી. તેમની સૌથી પ્રખ્યાત કૃતિ ગુજરાતમાં 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી હતી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાગણાય છે. બેંગલુરુમાં વિશાળ શિવ પ્રતિમા, પુણેના મોશીમાં સંભાજી મહારાજની પ્રતિમા અને અયોધ્યામાં લતા મંગેશકર ચોકમાં સ્થાપિત વિશાળ વીણા પણ તેમની કલાના ઉદાહરણો છે.
મહારાજા રણજીત સિંહ, છત્રપતિ શાહુ મહારાજ, ઇન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ, મહાત્મા ફુલે, પંડિત નેહરુ અને શિવાજી મહારાજની પ્રતિમાઓ પણ દેશના વિવિધ ભાગોમાં સ્થાપિત છે.
દક્ષિણ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન રામની ભવ્ય ૭૭ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા રામ સુતારની નવીનતમ કૃતિ છે.તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી માટે 1999માં તેમનું પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
રામ સુતારે જેજે સ્કૂલ ઓફ આર્ટસમાંથી અભ્યાસ કર્યો હતો.આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સાથે મળી તેમણે ઈલોરાની ગુફાઓમાં તેમના કામની શરૂઆત કરી હતી. જેના થોડા વર્ષો બાદ તેમણે મૂર્તિ બનાવવાનું કામ કર્યું હતું.
રામ. વી.સુતાર મૂળ મહારાષ્ટ્રનાં એક ગામડાનાં રહેવાસી હતા. એમનાં પિતા કાર્પેન્ટર હતા.એટલે શિલ્પ કલા એમને વારસામાં મળી હતી. ભણતર ગામડામાં જ થયું અને એ દરમ્યાન ગુરુ રામ કૃષ્ણ જોશી પાસેથી શિલ્પકારીની કલા શીખી. ત્યારબાદ એમણે જેજે સ્કુલ ઓફ આર્ટ્સમાં એડમીશન લીધું. ત્યારબાદ એમણે નોકરી પણ કરી. 1958 માં તેઓ દિલ્હી આવી ગયા. ત્યારબાદ એમણે નોઈડામાં પોતાનો સ્ટુડિયો ખોલ્યો.જયારે તેઓ દિલ્લી આવ્યા ત્યારે ઇન્ડિયા ગેટ પાસે કૈનોપીમાં બનેલી જાર્જ પંચમની મૂર્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને આ પ્રતિમા હટાવીને ત્યાં મહાત્મા ગાંધીની મૂર્તિ લગાવાની વાત ચાલી રહી હતી. સુતારે જાતે કૈનોપી માટે મહાત્મા ગાંધીની મૂર્તિ તૈયાર કરી હતી.
રામ વી સુતાર શરૂઆતથી જ મહાત્મા ગાંધીથી પ્રેરિત રહ્યા હતા. સંસદ ભવન પરિસરમાં લાગેલી 17 ફીટ ઉંચી ગાંધીની પ્રતિમા પણ એમણે જ બનાવી છે. આ સિવાય એમણે બનાવેલી બાપુની મૂર્તિ ૩૦૦ થી વધારે દેશોમાં લાગી ચુકેલી છે.
તેમણે ૪૫ ફૂટ ઊંચું ચંબલ સ્મારક, તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ઉભી કરી હતી,તેઓએ ભારતની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને બેઠેલી સ્થિતિમાં આકાર આપ્યો હતો, તેઓ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૦૮ ફૂટ ઊંચી કેમ્પે ગૌડાની પ્રતિમાના પણ શિલ્પકાર છે, બ્રિસ્બેનના ભારતીય સમુદાય દ્વારા રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડમાં રામ વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલ પ્રતિમા સ્થાપિત કારી છે. જેનું અનાવરણ ૨૦૧૪માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.હાલ તેઓ મુંબઈના દરિયામાં સ્થાપિત થનારી શિવાજીની મૂર્તિની ડીઝાઇન તૈયાર કરવામાં લાગ્યા છે. થોડા સમય પહેલાં અમૃતસરમાં વોર મેમોરીયલમાં લગાવામાં આવેલી દુનિયાની સૌથી મોટી તલવાર પણ એમણે જ તૈયાર કરી હતી.આ મહાન કલાકાર સો સલામભરી હૃદયાંજલિ

લેખક :દીપક જગતાપ


