ભારતની સંસદમાં વિવાદો વચ્ચે પસાર થયેલા ‘SHANTI’ બિલના બે જ દિવસ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ’ (NDAA-2026) પર હસ્તાક્ષર કર્યા છે. આ બંને ઘટનાઓનો સમય અને તેમાં રહેલી જોગવાઈઓ સૂચવે છે કે ભારત અને અમેરિકા પરમાણુ ઉર્જા ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.

શું છે ભારતનું ‘SHANTI’ બિલ?
ભારત સરકાર દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક અને નીતિવિષયક પરિવર્તન લાવવામાં આવ્યું છે. સરકારે દાયકાઓ જૂના 1962ના પરમાણુ ઉર્જા અધિનિયમ અને 2010ના સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ(CLND) કાયદાને રદ કરીને નવા SHANTI(Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) કાયદાનો અમલ કર્યો છે.
જવાબદારીની નવી મર્યાદા: ₹3000 કરોડ સુધીની આર્થિક સુરક્ષા
આ નવા કાયદાની સૌથી મહત્ત્વની જોગવાઈ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના પ્રવેશ માટેના દ્વાર ખોલવાની છે, જે અત્યાર સુધી માત્ર સરકારી હસ્તક હતું. આ ઉપરાંત, આર્થિક જોખમોને ઘટાડવા માટે કોઈ પણ પરમાણુ દુર્ઘટનાના કિસ્સામાં ઓપરેટરની મહત્તમ જવાબદારી હવે રૂ. 3000 કરોડ સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. અગાઉના કાયદામાં જવાબદારીના નિયમો અત્યંત કડક હોવાથી વિદેશી અને ખાનગી રોકાણકારો ખચકાતા હતા, પરંતુ આ નવી મર્યાદા દ્વારા સરકાર પરમાણુ ઉર્જાના ઉત્પાદનમાં મોટા પાયે ખાનગી અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ટ્રમ્પના NDAA કાયદામાં ભારતનો ઉલ્લેખ
અમેરિકાના રક્ષા બજેટ સાથે જોડાયેલા NDAA-2026માં ખાસ સૂચના આપવામાં આવી છે કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત સરકાર સાથે મળીને 2008ના પરમાણુ કરારની સમીક્ષા કરશે. ટ્રમ્પે સલાહ આપી છે કે ભારતની પરમાણુ જવાબદારીની નીતિઓને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવામાં આવે, જેથી અમેરિકન કંપનીઓ ભારતમાં પરમાણુ પ્લાન્ટ સ્થાપી શકે. 2016 પછી આ પ્રથમ વખત છે જ્યારે NDAAમાં ભારતની પરમાણુ નીતિનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


