સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તરમણિયા રોડ પરથી પસાર થતી નર્મદાની એલ.ડી.-૦૨ કેનાલ અચાનક ઓવરફ્લો થઈ હતી. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલા એરંડા અને અન્ય શિયાળુ પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ, પાક લણણીના આરે હતો ત્યારે જ કેનાલ છલકાતા ખેડૂતોની આથક હાલત કફોડી બની છે. આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૃપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે આ હોનારત નર્મદા વિભાગની બેદરકારીને કારણે સર્જાઈ છે. જ્યારે આ બાબતે ખેડૂતોએ ટેલિફોનિક માધ્યમથી નર્મદા વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારે અધિકારીઓએ કોઈ પણ ગંભીરતા દાખવવાને બદલે ‘અનુકૂળતા મુજબ સ્થળ પર આવશે’ તેવો બેજવાબદાર જવાબ આપ્યો હતો. એક તરફ સરકાર સિંચાઈની સુવિધાઓની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તંત્રની આ પ્રકારની નિષ્કાળજી ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. ભોગ બનનાર ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


