મહિલાઓના ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના સકારાત્મક પરિણામો હવે જમીન પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયી સફળતા કથા પોરબંદર જિલ્લાના બળેજ ગામની રીનાબેન વેગડાની છે, જેમણે પ્રેરણા સખી મંડળના માધ્યમથી આત્મનિર્ભર બની ‘લખપતિદીદી’નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

રીનાબેન વેગડાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી તેઓ પ્રેરણા સખી મંડળ સાથે જોડાઈને લિપ્પન આર્ટ, રેઝીન આર્ટ, ગૃહ શોભાસજાવટની વસ્તુઓ, દીવાલ ઘડિયાળ, લાભ–શુભ, તોરણ તેમજ રેઝીનમાં ફોટો ફ્રેમ, કીચેન, એરિંગ્સ, મોબાઈલ કવર સહિત વિવિધ પ્રકારની હસ્તકલા વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. સરસ મેળા તથા અન્ય વિવિધ મેળાઓમાં સરકાર દ્વારા મળતા યોગ્ય પ્લેટફોર્મના કારણે તેમની બનાવટોને બજારમાં સારી માંગ મળી રહી છે, જેના પરિણામે તેમના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારની સહાય અને માર્ગદર્શનથી તેમની કલાને ઓળખ મળી છે અને હસ્તકલા આધારિત વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા તેઓ અત્યાર સુધીમાં એક લાખ રૂપિયાથી વધુની આવક મેળવી ચૂક્યા છે. આ સફળતા બદલ તાજેતરમાં પોરબંદર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમને ‘લખપતિદીદી’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રીનાબેન વેગડાની આ સિદ્ધિ મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે અને રાજ્ય સરકારની મહિલાસશક્તિકરણ યોજનાઓની સફળતા દર્શાવે છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ


