આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે. તેની હાલત અત્યંત બિસ્માર હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને વહીવટી તંત્ર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો છે કે, રોડની ખરાબ હાલતને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ પર સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે, ત્યારે તેમને આમોદ ચોકડીની આ દુર્દશા દેખાતી નથી? તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો, જો જરૂર પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તમને સાથે રાખીને જનતાની મુશ્કેલીઓ બતાવીશ. વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનું જણાવતા તેમણે સરકારને બહેરી અને મૂંગી ગણાવી હતી. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, સરકાર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરતા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે. જ્યારે પ્રજા પાયમાલ થઈ રહી છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં આક્રોશ વધુ તેજ બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર અને વહીવટી તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નંબર 64 ની બિસ્માર હાલતને કારણે જનતાના સ્વાસ્થ્ય અને પરિવહન પર ગંભીર અસર પડી રહી છે, તેથી તંત્રએ જાગીને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવું જોઈએ. તેમણે ધારાસભ્યને આમોદ ચોકડી પર રૂબરૂ આવી નિરીક્ષણ કરવા અને જનતાની હાલાકીનો અંત લાવવા હાકલ કરી છે. જો તંત્ર દ્વારા લોકશાહી ઢબે ઉઠાવવામાં આવતા વિપક્ષના અવાજને પોલીસબળથી દબાવવાને બદલે રસ્તાની કામગીરીમાં સક્રિયતા બતાવવામાં આવશે, તો જ આ વિસ્તારના રાહદારીઓ અને સ્થાનિક લોકોને ધૂળની ડમરીઓ અને ખાડાઓથી કાયમી છુટકારો મળશે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


