સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ૦૬માં નવા ૮૦ ફૂટ રોડ પર અંદાજે ૩૦થી વધુ સોસાયટી આવેલી છે. જેમાં ૨૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આજે પણ પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ તેમજ પીવાનું શુધ્ધ અને પૂરતા પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી છે.

સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારના લોકોને સારી સુવિધા મળવાની આશા હતી પરંતુ મનપા બન્યાને ૧૨ મહિના બાદ પણ કોઇ સુવિધા નહીં આપવામાં આવી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેકવાર રજૂઆત કરવા ઉકેલ નહીં આવતા મનપાને જગાડવા માટે આપ દ્વારા ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો ફોડવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીમાં લોકોને પડતી હાલાકી અંગે મોટા બેનરો જાહેર રસ્તા પર લગાવી તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા સમગ્ર શહેરના લોકોને અપીલ કરવામાં આવી હતી અને આ પ્રદર્શન થકી લોકોની મુશ્કેલી અંગે જવાબદાર તંત્ર જાગૃત થાય અને લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ કરી હતી. આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.


