રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. રેલવેએ ટ્રેનની ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આ ભાવવધારો ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરવા માટે હવે વધુ ખર્ચ કરવો પડશે.

રેલવેએ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવનારા નવા ભાડાના માળખાની જાહેરાત કરી છે. આ માળખા મુજબ ઓર્ડિનરી ક્લાસમાં ૨૧૫ કિમી સુધીની રેલવે યાત્રા પર કોઇ ભાવવધારો કરવામાં આવ્યો નથી.
જો કે ૨૧૫ કિમીથી વધારાની યાત્રા માટે ઓર્ડિનરી ક્લાસમાં ૧ પૈસા પ્રતિ કિલોમીટર અને મેલ/એક્સપ્રેસ નોન એસી અને એસી ક્લાસ માટે ૨ પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય રેલવે દ્વારા ટ્રેન ભાડામાં કરવામાં આવેલા વધારાથી તેની આવકમાં નોંધપાત્ર વધારો થશે. રેલવે તરફથી જણાવવામાં આવ્યા અનુસાર આ ફેરફારથી તેને ૬૦૦ કરોડ રૃપિયાથી વધુની કમાણી થવાની આશા છે.ટ્રેન ટિકિટના ભાવમાં કરવામાં આવેલા આ ફેરફાર પચી જો કોઇ યાત્રી ૫૦૦ કિમીની યાત્રા નોન એસી ટ્રેન દ્વારા કરે છે તો તેને વર્તમાન ભાવની સરખામણીમાં ૧૦ રૃપિયા વધુ ચુકવવા પડશે.
ઉદાહરણ સ્વરૃપે દિલ્હી થી પટણા વચ્ચેનું અંતર ૧૦૦૦ કિલોમીટર છે. અત્યાર સુધી ડીબીઆરટી રાજધાની ટ્રેનમાં થર્ડ એસીની યાત્રૈા કરવા માટે ૨૩૯૫ રૃપિયા ભાડું ચુકવવામાં આવતું હતું. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવનાર નવા ભાવ અનુસાર ડીબીઅઆરટી રાજધાની ટ્રેનમાં થર્ડ એસીની યાત્રા કરવા માટે ૨૪૧૫ રૃપિયા એટલે કે ૨૦ રૃપિયા વધી જશે.
ભારતીય રેલવેએ ચાલુ વર્ષમાં બીજી વખત ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ ૧ જુલાઇએ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં ૧ પૈસા પ્રતિ કિલોમીટર અને એસી ટ્રેનના યાત્રી માટે ૨ પૈસા પ્રતિ કિલોમીટરના હિસાબથી વધારો કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન સંસદીય સમિતિએ ચેતવણી આપી છે કે ક્રૂ ઉપલબ્ધતા જેવા ઓપરેશનલ અવરોધોને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો માલ પરિવહન કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાના હેતુથી સંપૂર્ણપણે વિધૃતકૃત સમર્પિત ફેઇટ કોરિડોરના વિઝનને અવરોધનો સામનો કરવો પડી શકે છે.


