સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી સતાવી રહેલી બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે.દસાડા તાલુકાના રાજપર પાસે અંદાજે ૨૦૦ હેક્ટર જમીનમાં જિલ્લાની મુખ્ય જીઆઇડી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) સ્થાપવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. આ અંગેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે સંબંધિત વિભાગને મોકલી દેવામાં આવ્યો છે. વણોદ જીઆઇડીસીની અધૂરી કામગીરી અને અન્યાયની ભીતિ વચ્ચે યુવાનોને રાજપર પર મહારામ (મોટી આશા) છે.

જો આ પ્રોજેક્ટ સાકાર થશે, તો પાટડી સહિત સમગ્ર રણકાંઠાના યુવાનો જે હાલમાં ૧૦૦ કિલોમીટર દૂર સુધી રોજગારી માટે અપડાઉન કરે છે, તેમને મોટી રાહત મળશે. પાટડીથી રાજપરનું અંતર માત્ર ૪૦ કિલોમીટર હોવાથી પરિવહન પણ સરળ બનશે. દસાડા તાલુકાના વણોદ ખાતે અગાઉ જીઆઇડીસી ફાળવવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં ત્યાં કામગીરી અધૂરી છે અને હજુ સુધી એક પણ યુનિટ કાર્યરત થયો નથી, જેના કારણે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં એવી ચર્ચાઓએ પણ જોર પકડયું છે કે જીઆઇડીસી રાજપરના બદલે થાન તરફ ખસેડવામાં આવી શકે છે. જો આવું થશે, તો દસાડા તાલુકાના બેરોજગારો સાથે મોટો અન્યાય થશે તેમ સ્થાનિકો માની રહ્યા છે. રાજપર ભૌગોલિક રીતે લખતર, વિરમગામ, ધ્રાંગધ્રા અને લીંબડી તાલુકાઓની નજીક હોવાથી તે ઔદ્યોગિક હબ બનવા માટે સૌથી અનુકૂળ સ્થળ માનવામાં આવે છે.
જીઆઇડીસી રાજપરમાં બનશે કે થાન તરફ? ભૌગોલિક અનુકૂળતા છતાં અન્યાયની ભીતિ
દસાડા તાલુકાના યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે રાજપરમાં જીઆઇડીસી મંજૂર થવાની વાતથી આશાનું કિરણ જાગ્યું છે. પરંતુ રાજકીય સ્તરે આ પ્રોજેક્ટ થાન તરફ ખેંચાઈ જવાની વહેતી થયેલી ચર્ચાઓથી રણકાંઠાના લોકોમાં ફફડાટ છે. સ્થાનિકોની માંગ છે કે રાજપરમાં જ આ કેન્દ્ર બને જેથી પછાત ગણાતા આ વિસ્તારના યુવાનોને આથક ટેકો મળી શકે અને સ્થળાંતર અટકે.


