20 ડિસેમ્બરે T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. વાઈસ કેપ્ટન શુભમન ગિલને બહાર રાખવામાં આવ્યો હતો. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. હવે આ નિર્ણય પાછળની વાત ધીમે ધીમે બહાર આવી રહી છે.
જ્યારે એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે શુભમન ગિલનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેના કમબેક સાથે શુભમન ગિલને વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.પરંતુ ત્યારબાદ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું, જેના કારણે તેને T20 વર્લ્ડકપ 2026 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી બધાને આઘાત લાગ્યો. શુભમન ગિલને T20 ટીમમાંથી અચાનક બહાર રાખવા પાછળની વાત ધીમે ધીમે બહાર આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિલેક્શન કમિટીની બેઠક પહેલા શુભમન ગિલનું T20 ટીમમાં સ્થાન કન્ફર્મ કરવામાં આવ્યું હતું. પરંતુ મીટિંગમાં હાજર ત્રણ સિલેક્ટર્સ શુભમન ગિલના ખરાબ ફોર્મ છતાં તેને T20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં અચકાતા હતા. આનાથી શુભમન ગિલ માટે સમસ્યાઓ ઊભી થઈ.
આ જ રિપોર્ટમાં જણાવાયું હતું કે મુખ્ય સિલેક્ટર્સ અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર શુભમન ગિલને સપોર્ટ કરી રહ્યા હતા, પરંતુ બહુમતી મતને કારણે શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનાર ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. પરંતુ સંજુ સેમસન અભિષેક શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે રમશે તેની શક્યતાઓ વધુ છે.
શુભમન ગિલ હવે વિજય હજારે ટ્રોફી 2025માં પંજાબ માટે રમશે, જ્યાં તે મોટી ઈનિંગ રમી શકે છે. વિજય હજારે ટ્રોફી પછી તે ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝનો ભાગ બનશે, જ્યાં તે ફરીથી ટીમની કેપ્ટનશીપ કરશે. શુભમન ગિલ તેની કેપ્ટનશીપ હેઠળ તેની પહેલી ODI સિરીઝ જીતવા માટે પણ પ્રયત્નશીલ રહેશે. ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝ 2-1 થી હારી ગઈ. IPL 2025 પહેલા ગિલની આ છેલ્લી ઈન્ટરનેશનલ સિરીઝ હશે.


