અટલજી જોગર્સ પાર્ક ખાતે પ્રદેશ પ્રમુખ ઓ.પી. સિંગની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન; હિન્દુ યુવકની હત્યા મુદ્દે કરણી સૈનિકોએ સૂત્રોચ્ચાર કરી બાંગ્લાદેશ સરકારની નીતિને વખોડી
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર સતત વધી રહેલા હુમલા અને તાજેતરમાં એક હિન્દુ યુવકની નિર્મમ હત્યાના વિરોધમાં ગતરોજ અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓ.પી. સિંગની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈ હિન્દુઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત અટલજી જોગર્સ પાર્ક ખાતે આયોજિત આ વિરોધ કાર્યક્રમમાં કરણી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે, પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને હિંસા આચરવામાં આવી રહી છે જે અત્યંત નિંદનીય છે. કાર્યકરોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા બાંગ્લાદેશ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને હિન્દુ ધર્મસ્થાનો તેમજ પરિવારોની રક્ષા કરવાની અપીલ કરી હતી.
પ્રદર્શન દરમિયાન કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ઓ.પી. સિંગે કેન્દ્ર સરકારને આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવા અને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશના હિન્દુઓને પૂરતી સુરક્ષા મળે તે માટે ભારત સરકારે કડક વલણ અપનાવવું જોઈએ. આ કાર્યક્રમમાં કરણી સેનાના અનેક સ્થાનિક આગેવાનો, યુવા કાર્યકરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


