ભરૂચ જિલ્લાના જંબુસર નજીક એસટી (ST) બસને અકસ્માત નડતા દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને બસમાં સવાર ૧૮ જેટલા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટનાની વિગત મુજબ, એસટી બસ (નંબર: GJ18 Z 7852) કીર્તિસ્તંભથી જંબુસર જવા માટે રવાના થઈ હતી. બસ જ્યારે દેવકોઈ ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક અજાણ્યું વાહન બસની સામે આવી ગયું હતું. આ કપરી પરિસ્થિતિમાં ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી સ્ટીયરિંગ પર કાબૂ મેળવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બસ ભયાનક અકસ્માતમાંથી બચી ગઈ હતી.

આ અકસ્માત દરમિયાન બસમાં સવાર ૧૮ મુસાફરો પૈકી એક મુસાફરને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરી આગળની તપાસ હાથ ધરી હતી.


