સાવરકુંડલા: સાવરકુંડલાની નાગનાથ સોસાયટીમાં રસોઇ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતા આખું ઘર ભડભડ સળગ્યું હતું અને ગૃહસ્થ દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

સાવરકુંડલાની નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી. બપોરે સોસાયટીમાં રહેતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટયો હતો. આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી દાઝી જતા ઇજાગ્રસ્ત થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઘરની તમામ ઘરવખરી અને સામાન બળીને રાખ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે વીજતંત્રની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો.


