પોલીસે હાલ યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે અને આ પાપમાં અન્ય કોણ-કોણ સામેલ હતું તેમજ પ્રસુતિ કઈ ખાનગી જગ્યાએ કરાવવામાં આવી હતી તે દિશામાં તપાસ તેજ કરી છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં થોડા સમય પહેલાં એક નવજાત શિશુને ત્યજી દેવાની બનેલી ઘટનામાં પોલીસે વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં કિંજલ ધંધુકિયા નામની યુવતી શંકાના દાયરામાં હતી, પરંતુ તેણે બાળક પોતાનું હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. સત્ય જાણવા માટે પોલીસે DNA ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ મેચ થતા સાબિત થયું છે કે આ અપરિણીત યુવતી જ બાળકની જન્મદાતા છે. આ ખુલાસા બાદ પોલીસે કિંજલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રસુતિ બાદ યુવતીએ રાજકોટની હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી, જોકે કમનસીબે તે નવજાત શિશુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ અત્યંત મહત્વની કડી સાબિત થયા છે, જેમાં પરિવારના સભ્યો પ્રસુતિ માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ભટકતા જોવા મળ્યા હતા. લોકલાજ અને બદનામીના ડરે પરિવારે જ બાળકને ત્યજી દીધું હોવાની માહિતી મળી રહી છે. વધુમાં, આ કેસમાં એક પરિણીત યુવકની સંડોવણી હોવાની પણ પ્રબળ આશંકા છે, જેની સાથે યુવતીના સંબંધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે હાલ યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે અને આ પાપમાં અન્ય કોણ-કોણ સામેલ હતું તેમજ પ્રસુતિ કઈ ખાનગી જગ્યાએ કરાવવામાં આવી હતી તે દિશામાં તપાસ તેજ કરી છે.


