ગૌતમ અદાણીએ એક મહત્વની ચેતવણી આપતા જણાવ્યું કે, AI માં નેતૃત્વને આઉટસોર્સ કરી શકાય નહીં. તેમણે વિદેશી અલ્ગોરિધમ્સ પરની નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય હિત માટે સ્વદેશી AI મોડેલ્સ અને મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ મહારાષ્ટ્રના બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે ‘શરદ પવાર સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (CoE-AI)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતના યુવાધનને આહવાન કર્યું હતું કે, ભારત હવે ટેકનોલોજીના વપરાશકાર તરીકે નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં વર્લ્ડ લીડર તરીકે ઉભરી આવે તે જરૂરી છે.
વિદ્યાર્થીઓ અને સંશોધકોને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ભારત એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. AI એ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ તે સામાન્ય નાગરિકોના હાથમાં ઉત્પાદકતા અને બુદ્ધિ સોંપવાનું માધ્યમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઐતિહાસિક રીતે જે રીતે ઔદ્યોગિક ક્રાંતિએ પરિવર્તન આણ્યું હતું, તેવી જ રીતે AI દરેક પૃષ્ઠભૂમિના યુવાનો માટે વિકાસના નવા માર્ગો ખોલશે.

ગૌતમ અદાણીએ એક મહત્વની ચેતવણી આપતા જણાવ્યું કે, AI માં નેતૃત્વને આઉટસોર્સ કરી શકાય નહીં. તેમણે વિદેશી અલ્ગોરિધમ્સ પરની નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય હિત માટે સ્વદેશી AI મોડેલ્સ અને મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભારતની આર્થિક સુરક્ષા અને વ્યુહાત્મક સ્વતંત્રતા માટે આપણો પોતાનો ડેટા અને નિર્ણય લેવાની ક્ષમતા સુરક્ષિત હોવી જોઈએ.
વૈશ્વિક સ્તરે અદાણી ગૃપની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે, ગૃપ દ્વારા ડેટા સેન્ટર્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેક જાયન્ટ્સ સાથે મળીને ભારતને AI હબ બનાવવા માટે અદાણી ગ્રુપ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, બારામતી ખાતેનું આ કેન્દ્ર વિદ્યા પ્રતિષ્ઠાન શૈક્ષણિક ટ્રસ્ટ હેઠળ તૈયાર થયું છે, જેમાં 2023માં ગૌતમ અદાણીએ રૂપિયા 25 કરોડનું યોગદાન આપ્યું હતું. આ કેન્દ્ર કૃષિ, આરોગ્ય, શાસન અને ઉદ્યોગ ક્ષેત્રે AI ના ઉપયોગ પર સંશોધન અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, આ ક્ષણ તમારી છે, હવે ઈતિહાસ લખવાનો સમય છે.


