અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત ‘પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન-2025’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત ‘પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન-2025’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના પાટીદાર ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિમાં ભારતને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના સંકલ્પો લેવામાં આવ્યા હતા.
આ મહાસંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે અહીં ઉપસ્થિત અંદાજે 20,000 પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકોએ એકસાથે ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં યુવાનો દ્વારા લેવામાં આવેલા સામૂહિક સંકલ્પને કારણે એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો છે.

આ સંમેલનમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈ જેવા દેશોમાંથી પણ પાટીદાર બિઝનેસમેન જોડાયા હતા. અમિત શાહે વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ઉદ્યોગપતિઓ વચ્ચે નેટવર્કિંગ મજબૂત કરવા માટે ‘VUF Business Network App’નું અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
પોતાના સંબોધનમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને વર્તમાન સરકારમાં છેવાડાના અને નાના માણસને પણ મોટી જવાબદારી મળે છે. પાટીદાર યુવાનો પોતાની ઉદ્યમી શક્તિથી ભારતને વિશ્વગુરુ બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ‘વિલેજ થી વિદેશ’ સુધીનું આ નેટવર્ક ભારતની આર્થિક પ્રગતિમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે, આ સંસ્થા માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય અને રોજગારનું હબ બનવા જઈ રહી છે. અહીં સ્કિલ યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરવામાં આવશે.


