ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી થયેલા મોત મામલે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેંચ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
કોર્ટે કહ્યું કે ઈન્દોર એક ખૂબ જ સુંદર શહેર છે તેની સ્વચ્છતાની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. આ સુંદરતા અને પ્રતિષ્ઠા જાળવી રાખવાની જવાબદારી અધિકારીઓની છે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે કોર્ટને જાણ કરી કે સ્થાનિક લોકોમાં હજુ પણ સ્વચ્છ પાણીનો અભાવ છે.
સેંકડો પરિવારો પાણી માટે એક જ ટેન્કર પર આધાર રાખે છે. કોર્ટે પ્રશ્ન કર્યો ફક્ત એક ટેન્કર શું કરશે? અને તાત્કાલિક વધારાના પાણીના ટેન્કર મોકલવાનો આદેશ આપ્યો. કોર્ટે આદેશ આપ્યો કે આગામી 10 મિનિટમાં વધારાના ટેન્કર વિસ્તારમાં પહોંચવા જોઈએ, અને તેમના ફોટા વકીલો સાથે શેર કરવા જોઈએ.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે કલેક્ટર અથવા એસડીએમ જેને પણ જરૂર હોય, તેને બોલાવવા જોઈએ, પરંતુ પાણીના ટેન્કર દરેક કિંમતે પહોંચવા જોઈએ. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટને જાણ કરી હતી કે અત્યાર સુધીમાં 30 પાણીના ટેન્કર મોકલવામાં આવ્યા છે અને તાત્કાલિક ચાર વધુ મોકલવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કર્યો હતો.

આ મામલે 31 ડિસેમ્બરે બે જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પહેલી અરજી હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રિતેશ ઇનાની દ્વારા અને બીજી અરજી ભૂતપૂર્વ કાઉન્સિલર મહેશ ગર્ગ અને કોંગ્રેસના પ્રવક્તા પ્રમોદ કુમાર દ્વિવેદી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ એડવોકેટ મનીષ યાદવે કર્યું હતું.
31 ડિસેમ્બરની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ અસરગ્રસ્ત લોકોને મફત તબીબી સારવાર અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માટે વચગાળાના નિર્દેશો આપ્યા હતા. 2 જાન્યુઆરીના રોજ આ આદેશોના પાલન અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
ત્રીજી જાહેર હિતની અરજીની પણ સુનાવણી કરવામાં આવી હતી, જેના પર હાઇકોર્ટે ઇન્દોર કલેક્ટર શિવમ વર્મા અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દિલીપ કુમાર યાદવને નોટિસ ફટકારી કરી હતી. ત્રીજી અરજી પર આગામી સુનાવણી 19 જાન્યુઆરીએ થશે, જ્યારે પહેલી બે અરજીઓ પર 6 જાન્યુઆરીએ થવાની છે. સુનાવણી દરમિયાન એડવોકેટ મનીષ યાદવે મૃતકોના પરિવારોને આપવામાં આવતી વળતર રકમમાં વધારો કરવાની માંગ કરી હતી, અને દલીલ કરી હતી કે સ્ટેટસ રિપોર્ટમાં ફક્ત ચાર મૃત્યુનો ઉલ્લેખ છે, જ્યારે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.


