અરવલ્લી જિલ્લામાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્ધારિત ‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ થીમ હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો અને તેમાં થતી જાનહાનિને અટકાવવાનો છે.

આ ઉજવણી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન, એટલે કે તા. 1 થી તા. 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાભરમાં ટ્રાફિક નિયમો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ રોડ સેફ્ટી અભિયાનના ભાગરૂપે, મોડાસા RTO કચેરીથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા માર્ગ સલામતીનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો.અભિયાન અંતર્ગત વાહનચાલકોને રેડિયમ પટ્ટી લગાવવા, દ્વિચક્ર અને ચતુર્થ ચક્ર વાહનચાલકો માટે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ, ઓવર સ્પીડિંગના ગંભીર પરિણામો, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને વાહન ચલાવવાના જોખમો અને ટ્રાફિક સિગ્નલ તથા માર્ગ ચિહ્નોનું પાલન કરવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સલામતી જાગૃતિના હેતુ સાથે આયોજિત બાઇક રેલીમાં યુવાનો, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલી દરમિયાન ‘હેલ્મેટ પહેરો – જીવન બચાવો’, ‘ઝડપ નહીં, સલામતી મહત્વપૂર્ણ’ અને ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો’ જેવા સંદેશાઓ સાથે લોકોને સલામત વાહનચાલનનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.


