અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલી જાણીતી નેશનલ સ્કૂલની બહાર જ એક વિદ્યાર્થી પર અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.શિક્ષણધામ ગણાતી શાળાની બહાર જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે.
મળતી માહિતી મુજબ નેશનસ સ્કૂલનો એક વિદ્યાર્થી જ્યારે શાળાની બહાર હતો ત્યારે અચાનક કેટલાક યુવકોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરૂં ઘડ્યુ હોય તેમ વિદ્યાર્થીને નિશાન બનાવ્યો હતો. હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. અગાઉ થયેલી કોઇ ઝઘડાં રે તકરારને કારણે તેનું વેર વાળવા માટે આ યુવકોએ શાળાના સમય દરમિયાન જ હુમલો કરવાની હિંમત કરી હતી. વિદ્યાર્થીને માથામાં હાથમાં પહેરવાનું કડું મારતા તે ઇજાગ્રસ્ત થયો છે.
આ ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. હુમલા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ધોળા દિવસે શાળાના દરવાજે જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવી લાગણી જન્મી રહી છે.

શાળાઓની બહાર આવા તત્વોનો ત્રાસ વધવો એ ગંભીર બાબત છે. વાલીઓની માંગ છે કે શાળાઓ છૂટતી વખતે અને શરૂ થતી વખતે પોલીસનું સતત પેટ્રોલિંગ હોવું જોઈએ. આ કિસ્સો એ પણ યાદ અપાવે છે કે નાની ઉંમરે વધતી જતી આક્રમકતા અને અદાવત ગંભીર ગુનાઓ તરફ દોરી જાય છે. હાલમાં પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર પરીક્ષા આપવા જતી વખતે બહારના યુવાનોએ હુમલો કરતા ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર બાદ હાલ ડિસ્ચાર્જ કરાયો છે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ DEO પાસે સત્વરે અહેવાલ માંગ્યો છે. DEOએ શાળા સંચાલકો સાથે વાત કરી સમગ્ર વિગતો મેળવી છે અને સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના નથી. સેવન્થ ડે સ્કૂલ બાદ બનેલી આ બીજી ઘટનાને પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


