Ahmedabad AMTS Bus Fire: AMTS બસમાં આગ લાગવાના મામલે ચેરમેન ધરમસી દેસાઇએ તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 3 બસ સળગી હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, FSL રિપોર્ટ બાદ કાર્યવાહી થશે.
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા અને શહેરની જીવાદોરી સમાન AMTS બસમાં આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે AMTS કમિટીના ચેરમેન ધરમસી દેસાઇ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

આજે બનેલી ઘટનાની વિગતો આપતા ચેરમેને જણાવ્યું કે, બસ ચાલતી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળતા જણાયા હતા. ડ્રાઇવરે તુરંત જ ગંભીરતા સમજી બસને રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. આ સતર્કતાને કારણે જ કોઈ જાનહાનિ થઈ નથી.
AMTS બસોની જાળવણી અને સુરક્ષા સામે સવાલો ઉભા થતા ચેરમેને સ્વીકાર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં બસ સળગવાના કુલ 3 બનાવો બન્યા છે. જેમાં 1 બસ ટાટા (TATA) કંપનીની અને 2 બસ આઇસર (Eicher) કંપનીની છે. આ આંકડા દર્શાવે છે કે, ટેકનિકલ ખામીઓને કારણે બસોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહી છે, જે ચિંતાનો વિષય છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) રિપોર્ટની મદદ લેવામાં આવી છે. ચેરમેન ધરમસી દેસાઇએ ખાતરી આપી હતી કે, રિપોર્ટ આવ્યા બાદ જો ઓપરેટર કે કંપનીની કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે, તો તેમની વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બસોના મેન્ટેનન્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.


