ગીર સોમનાથના વેરાવળ શહેરમાં આજે વહેલી સવારથી જ GST વિભાગ દ્વારા સોના-ચાંદીના મોટા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટી (CGST) જૂનાગઢ ડિવિઝનની ટીમોએ વેરાવળના નામાંકિત જ્વેલર્સના શો-રૂમ અને પેઢીઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના જાણીતા પરશુરામ દયારામ જ્વેલર્સના શો-રૂમ પર અધિકારીઓ દ્વારા હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવતા સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

આ દરોડા દરમિયાન જીએસટી વિભાગની ટીમ દ્વારા સોના-ચાંદીના સ્ટોક, ખરીદ-વેચાણના બિલો અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને ટેક્સ ચોરીની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાય છે. વેરાવળના મુખ્ય બજારમાં આવેલા આ શો-રૂમ્સ પર પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહેલી આ તપાસમાં મોટા પાયે કરચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે અધિકારીઓ દ્વારા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.


