Rajkot News: રાજકોટના જસદણમાં આટકોટ રોડ પરના સૂર્યમુખી મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. કાળભૈરવ અને શિવલિંગની ચોરી, પોલીસ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી ધાર્મિક લાગણી દુભાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આટકોટ રોડ પર સ્થિત પવિત્ર સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભાવિક ભક્તોમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા. અસામાજિક તત્વોએ માત્ર ચોરી જ નહીં, પરંતુ મંદિરની પવિત્રતાને પણ નુકસાન પહોંચાડ્યું છે. મંદિરમાંથી કાળભૈરવ દાદાની મૂર્તિ, શિવલિંગ અને પોઠિયાની ચોરી કરવામાં આવી છે. આટલું જ નહીં, અજાણ્યા શખ્સોએ મંદિરનો હવનકુંડ અને દીવાલ પણ તોડી પાડીને નુકસાન પહોંચાડ્યું હતું.

સવારે જ્યારે ભક્તો મંદિરે દર્શન માટે પહોંચ્યા ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. તોડફોડના દ્રશ્યો જોઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી, આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અસામાજિક તત્વોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શ્રદ્ધાળુઓ માગ કરી રહ્યા છે કે, મંદિરમાંથી ભગવાનની ચોરી કરનારા આવા અસામાજિક અને અધાર્મિક તેમજ વિકૃત માનસિકતાવાળા આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.


