E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ...

Rajkot : કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર

 રાજકોટથી આશરે 300, અમદાવાદથી 410 અને કચ્છના ભૂજથી 80  કિ.મી.ના અંતરે બન્ની વિસ્તાર નજીક આવેલા છારી ઢંઢના આરક્ષિત વિસ્તારને આજે ‘રામસર સાઈટ’ તરીકે વૈશ્વિક માન્યતા અપાઈ છે. સોમવાર તા. 2ના વિશ્વ વેટલેન્ડ દિવસ પૂર્વે આ જાહેરાતથી કચ્છનું આ પ્રથમ સ્થળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર અર્થાત્ આદ્ર ભુમિ (વેટલેન્ડ) બન્યું છે. 

સત્તાવાર સૂત્રો અનુસાર કચ્છના છારી ઢુંઢ અભ્યારણ્ય એ દેશ-વિદેશના પંખીઓ અને વન્યપ્રાણીઓ માટેનું સ્વર્ગસમાન છે. યુરોપ, સાઈબેરિયા, મધ્ય એશિયાથી બર્ફીલી ઠંડીથી બચવા અહીં દર વર્ષે શિયાળામાં  30,000 થી વધુ કુંજ, મળતાવડી ટીટોડી, ચોટીલી સહિતના પંખી સ્થળાંતર કરીને આવે છે. લેસર અને ગ્રેટર ફ્લેમિંગો (હંજ) અને સારસ પંખીની જોડ તથા લુપ્તપ્રાય થતા ડાલમેશિયન પેલિકન, ઓરીએન્ટલ ડાર્ટર, બ્લેક નેક્ડ સ્ટોર્ક પ્રકારના શિકારી પંખીઓ પણ જોવા મળે છે. પંખી ઉપરાંત ચિંકારા, રણ બિલાડી, રણ લોમડી, હેણોતરો, રૂ જેવા વન્યજીવોનું પણ અહીં નિવાસસ્થાન છે. અંદાજે 227 ચો.કિ.મી. એરિયામાં પથરાયેલા આ છીછરાં સરોવરવાળા વિસ્તારમાં એક તરફ રણ અને બીજી તરફ ઘાસના મેદાન વચ્ચે અદ્ભૂત સમતુલા જોવા મળે છે. આશરે 250થી વધુ પ્રકારના પંખીઓ અહીં જોવા મળ્યા છે આ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતાપ્રાપ્ત વેટલેન્ડ રામસર સાઈટની સંખ્યા ગુજરાતમાં પાંચ સહિત સમગ્ર દેશમાં 98 ઉપર પહોંચી છે.

ગુજરાતના ક્યા અભ્યારણ્ય રામસર સાઈટ જાહેર થયા

આજ સુધીમાં ગુજરાતમાં નીચે મૂજબના વિશેષતા ધરાવતા સ્થળો રામસર સાઈટ જાહેર થયા છે.

(1) થોળ તળાવ. મહેસાણા જિ.ના કડી પાસેના થોળ ગામ પાસે આ સ્થળે ઈ. 1912માં સિંચાઈ માટે તળાવ બનાવાયું, પંખીઓ આવવા લાગ્યા અને ઈ.૧૯૮૮માં પંખી અભ્યારણ્ય બન્યું. હાલ 150 પ્રજાતિના પંખી જેમાં 60 ટકા પાણીમાં રહેનારા. (2) નળ સરોવર અમદાવાદથી 64 કિમી અંતરે સાણંદ પાસે 121 ચો.કિ.મી.માં આવેલું અભ્યારણ્ય શિયાળા,વસંત ઋતુમાં ઋતુપ્રવાસીઓ એવા 250 પ્રકારના પંખીઓથી સમૃધ્ધ સ્થળ. (૩)વઢવાણા વેટલેન્ડ. વડોદરા જિ.માં ડભોલ પાસે ઈ.સ. 1910માં સિંચાઈના ડેમ તરીકે નિર્માણ પણ પંખીઓને આ સ્થળ ગમી ગયું, ઈ. 2021માં રામસર સાઈટ. (4)ખીજડીયા સૌરાષ્ટ્રનું એકમાત્ર રામસર સાઈટ માન્યતાપ્રાપ્ત પંખી અભ્યારણ્ય જામનગરથી રાજકોટ હાઈવે તરફ 10 કિ.મી.ના અંતરે 650 હેક્ટર જમીનમાં આવેલું છે,તેની અનોખી વિશેષતા એ છે કે અહીં વચ્ચે રસ્તો, એકબાજુ સમુદ્ર,બીજી બાજુ તળાવ એમ ખારા અને મીઠાં પાણી બન્નેના પંખીઓનું નિવાસસ્થાન છે. અને આ સ્થળ ખીજડીયા ગામ ઈ. 2023માં વિશ્વના બેસ્ટ વિલેજ તરીકે પણ જાહેર. (5) છારી ઢંઢ કચ્છમાં 22700 હેક્ટરમાં ફેલાયેલું રણ-ઘાસના મેદાન વચ્ચેનું અને પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે અને હવે રામસર સાઈટ તરીકે જાહેર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments