E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન,...

National : મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર મંગળવારે સાંજે બનેલી એક દુર્ઘટનાએ હજારો મુસાફરો માટે કાળઝાળ અનુભવ કરાવ્યો હતો. ખંડાલા ઘાટ સેક્શનમાં બોરઘાટ નજીક પ્રોપિલીન ગેસ ભરેલું એક ટેન્કર પલટી જતાં અંદાજે 32 કલાક સુધી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ અકસ્માતને કારણે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં હજારો પરિવારો ખોરાક, પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ વગર રસ્તા પર અટવાઈ પડ્યા હતા.આ ભયાનક જામમાં પૂણેના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતા પણ ફસાયા હતા. તેમણે લગભગ 8 કલાક સુધી ટ્રાફિકમાં રાહ જોઈ હતી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન દેખાતા અંતે તેમણે હેલિકોપ્ટર મંગાવીને પૂણે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની વ્યથા ઠાલવતા વહીવટી તંત્રની કટોકટી વ્યવસ્થાપન(Emergency Management) ક્ષમતા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે, ‘માત્ર એક ગેસ ટેન્કરની દુર્ઘટનાને કારણે લાખો લોકો છેલ્લા 18 કલાકથી રસ્તા પર અટવાયેલા છે, જે તંત્રની નબળી આયોજન શક્તિ દર્શાવે છે.’

ભવિષ્યમાં આવી સ્થિતિને ટાળવા માટે તેમણે બે મહત્ત્વના સૂચનો આપ્યા હતા, ઇમરજન્સી એક્ઝિટ બાબતે તેમણે જણાવ્યું કે ‘એક્સપ્રેસવે પર અલગ-અલગ પોઈન્ટ્સ પર ‘ઇમરજન્સી એક્ઝિટ'(બહાર નીકળવાના રસ્તા) હોવા જોઈએ, જેથી આવી કટોકટી વખતે વાહનોને ત્યાંથી પાછા વાળી શકાય અને ટ્રાફિક જામ હળવો કરી શકાય.’

આ ઉપરાંત તેમણે હાઈવે પર ઈમરજન્સી રેસ્ક્યુ માટે હેલીપેડ બનાવવાની માંગ કરતા કહ્યું કે, ‘એક હેલીપેડ બનાવવા માટે માત્ર 10 લાખ રૂપિયાથી ઓછો ખર્ચ થાય છે અને માત્ર એક એકર જમીનની જરૂર પડે છે. આ સુવિધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં(Evacuation) અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.

હાઈવે પરની વરવી વાસ્તવિકતા વર્ણવતા ડૉ. મહેતાએ કહ્યું કે, ‘રસ્તા પર ડિસિપ્લિન જેવું કંઈ રહ્યું નહોતું. લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવી રહ્યા હતા. આ પ્રદેશની જીવાદોરી સમાન હાઈવેની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે, જે દુ:ખદ છે.’ તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક યુઝર્સે ભારે ટેક્સ ભરવા છતાં સુવિધાઓના અભાવ અને તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ ક્ષતિગ્રસ્ત વાહનોને તાત્કાલિક એરલિફ્ટ કરવાની સુવિધા ઉભી કરવા પર પણ ભાર મૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments