Gyan Sadhana Scholarship: મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી છે. 25,000 વિદ્યાર્થીઓને રૂપિયા 94,000 સુધીની સહાય મળશે.
ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે “મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના” ની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે સ્કોલરશિપ મેળવવા માટેની પરીક્ષાના ફોર્મ આજથી ભરાવવાના શરૂ થઈ ગયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ હોંશિયાર વિદ્યાર્થીઓને ફીની ચિંતા વગર આગળ અભ્યાસ કરવાની તક પૂરી પાડવાનો છે.
વિદ્યાર્થીઓ 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ મેરિટ સ્કોલરશિપ માટેની પરીક્ષા 4 એપ્રિલ ના રોજ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવશે. રાજ્યના સૌથી તેજસ્વી એવા 25,000 વિદ્યાર્થીઓની આ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે માતબર રકમ મળવાપાત્ર છે:
ખાનગી શાળાઓ માટે: જો વિદ્યાર્થી ધોરણ 9 અને 10 ખાનગી શાળામાં ભણે છે, તો વાર્ષિક રૂપિયા 22,000 અને ધોરણ 11-12 માટે વાર્ષિક રૂપિયા 25,000 ની સ્કોલરશિપ મળશે. આમ, ચાર વર્ષમાં કુલ રૂપિયા 94,000 સુધીની સહાય મળી શકે છે.
સરકારી/ગ્રાન્ટેડ શાળાઓ માટે: સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9-10 માં વાર્ષિક રૂપિયા 5,000 અને ધોરણ 11-12 માં વાર્ષિક રૂપિયા 7,000 આપવામાં આવશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના અન્ય ફાયદાઓ
માત્ર સ્કોલરશિપ જ નહીં, પરંતુ આ પરીક્ષાના મેરિટના આધારે વિદ્યાર્થીઓને આદિજાતિ વિકાસ વિભાગની આદર્શ નિવાસી શાળાઓ અને રક્ષા શક્તિ સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પ્રવેશ મેળવવાની તક મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધુ વિગત માટે પોતાની શાળાનો સંપર્ક કરવા અથવા સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે.


