શહેરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. જેમાં હવે શિક્ષિત અને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શહેરના સોલા વિસ્તારમાં રહેતા 81 વર્ષીય દશરથભાઈ જીવનલાલ પટેલ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સાયબર ગઠિયાઓએ મુંબઈ પોલીસ અને CBI અધિકારી બનીને વૃદ્ધને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ધરપકડની ધમકી આપી રૂ. 9.4 લાખની છેતરપિંડી આચરી છે.
દશરથભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 3 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન બની હતી. તેમને ‘સંદીપ રાવ’ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે આપી હતી. ઠગે દાવો કર્યો હતો કે, દશરથભાઈના આધાર કાર્ડનો ઉપયોગ ઉદ્યોગપતિ નરેશ ગોયલ સાથે જોડાયેલા હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં થયો છે અને CBI તેમની ‘ગુપ્ત’ તપાસ કરી રહી છે.
ઠગબાજોએ વિશ્વાસ જીતવા માટે વોટ્સએપ વિડિયો કોલ દરમિયાન અંગ્રેજીમાં લખેલું એક નકલી ધરપકડ વોરંટ બતાવ્યું હતું. તેમણે વૃદ્ધને ધમકી આપી હતી કે, મની લોન્ડરિંગના કેસમાં જામીન મળતા નથી. વધુમાં, તેમને ડરાવવા માટે કહેવામાં આવ્યું હતું કે સાદા કપડામાં પોલીસ અધિકારીઓ તેમના ઘરની બહાર વોચ રાખી રહ્યા છે. વૃદ્ધ એટલા ગભરાઈ ગયા હતા કે, તેમણે આ વાત પરિવારને પણ ન જણાવી. ‘ફંડ વેરિફિકેશન’ ના નામે ઠગોએ તેમના બેંક ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટની તમામ વિગતો મેળવી લીધી હતી.

ધરપકડના ડરના કારણે દશરથભાઈએ 4 ફેબ્રુઆરીના રોજ પોતાની પંજાબ નેશનલ બેંક (ભુયંગદેવ શાખા) માંથી રૂ. 6.5 લાખ અને કાલુપુર કો-ઓપરેટિવ બેંક (સોલા શાખા) માંથી રૂ. 2.9 લાખ મળીને કુલ રૂ. 9.4 લાખ ઠગોએ આપેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
6 ફેબ્રુઆરીએ જ્યારે ઠગોએ વધુ 6 લાખ રૂપિયાની માંગણી કરી, ત્યારે દશરથભાઈ ફરી પંજાબ નેશનલ બેંક પહોંચ્યા હતા. પરંતુ ત્યાંના સતર્ક બેંક અધિકારીઓને આ વ્યવહાર પર શંકા ગઈ હતી. તેમણે ટ્રાન્ઝેક્શન અટકાવ્યું અને વૃદ્ધને સમજાવ્યું કે, તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. ત્યારબાદ તુરંત 1930 હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી, બેંક ખાતાઓની વિગતો અને કોલ રેકોર્ડ્સના આધારે તપાસ તેજ કરી છે.


