E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratDwarka : ગૌમાંસના કાળા કારોબારથી શંકરાચાર્ય લાલઘૂમ

Dwarka : ગૌમાંસના કાળા કારોબારથી શંકરાચાર્ય લાલઘૂમ

Dwarka News: પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગૌમાંસ પકડાતા સનાતનીઓમાં રોષ ફેલાયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આરોપીઓની મિલકતો તપાસી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. રૂપેણ બંદરથી 3 ઝડપાયા છે.

જગત મંદિર અને પવિત્ર યાત્રાધામ દ્વારકાની પવિત્રતાને લાંછન લગાવતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 50 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના સનાતન ધર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા પણ આ મામલે અત્યંત આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે.

દ્વારકા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે રૂપેણ બંદરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગૌમાંસના જથ્થા સાથે માતા-પુત્ર અને એક સપ્લાયરની અટકાયત કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસનો આવો કાળો કારોબાર ચાલતો હોવાના પર્દાફાશથી પોલીસ તંત્ર પર પણ સવાલો ઉભા થયા છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે આકરી નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, ગૌમાતામાં 33 કોટિ દેવતાઓનો વાસ છે. અમે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માગ કરી રહ્યા છીએ, ત્યારે પવિત્ર તીર્થનગરીમાં આવું નીચ કૃત્ય સનાતન આસ્થા પર સીધો પ્રહાર છે.

શંકરાચાર્યજીએ માત્ર ધરપકડથી સંતોષ ન માનતા પોલીસ તંત્રને આદેશાત્મક લહેજામાં કહ્યું છે કે, આ આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવે. આ શખ્સો અન્ય કોઈ મોટા રેકેટમાં સંડોવાયેલા છે કે, કેમ અને તેમની બેનામી મિલકતો ક્યાં આવેલી છે તેની ઊંડી તપાસ થવી જોઈએ. આ કૃત્ય કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments