અમદાવાદના ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ટ્રાફિક જામની દલીલ કરી પાથરણાવાળાને પરત લાવવાનો વિરોધ કર્યો હતો, જેની સામે હાઈકોર્ટે કાયદાના અમલીકરણ અને આજીવિકાના અધિકારને સુરક્ષિત રાખવા કોર્પોરેશનને વિવિધ નિર્દેશ કર્યા હતા.
આ સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ‘જો અત્યારે ફેબ્રુઆરી 2026માં 800થી વધુ પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં પરત લાવવામાં આવે, તો ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પાથરણાવાળાને 100 મીટર દૂર પ્લોટ-A અને Bમાં વચગાળાની વ્યવસ્થા તરીકે ખસેડવામાં આવ્યા છે.’
આ અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ખંડપીઠે AMCના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘પાથરણાવાળા વર્ષ 2019થી ત્યાં કાર્યરત હતા અને AMCએ તેમને 2025માં બળજબરીથી દૂર કર્યા છે, જે સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની ભાવનાની સામે છે. AMC દ્વારા બળજબરીથી હટાવવાને કારણે પાથરણાવાળાએ કોર્પોરેશન પરથી વિશ્વાસ ગુમાવ્યો છે. જો પરિસ્થિતિ બદલાઈ હોય તો નવો સર્વે કરો, પરંતુ કાયદાના માળખામાં રહીને 844 પાથરણાવાળાને સમાવિષ્ટ કરવા માટે યોગ્ય યોજના તૈયાર કરો.’

આ વિવાદ એક દાયકા કરતા પણ વધુ જૂનો છે, વર્ષ 2014માં ભદ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટ દરમિયાન ખોદકામ અને બેરિકેડિંગને કારણે પાથરણાવાળાની આજીવિકા પર અસર પડી હતી. SEWA જેવા સંગઠનો આ કાનૂની લડાઈ લડી રહ્યા છે. લાંબી લડત બાદ 372 સભ્યોને કાયદેસરના લાઇસન્સ આપવામાં આવ્યા હતા. કુલ 844 પાથરણાવાળામાંથી 264 પાસે વેન્ડિંગ પ્રમાણપત્ર છે, પરંતુ AMC તેમની ચકાસણી પર ભાર મૂકી રહી છે.
હાઈકોર્ટે AMCને તાકીદ કરી છે કે તેઓ ઓળખાયેલા સ્થળો પર પાથરણાવાળાને વ્યવસ્થિત રીતે સમાવિષ્ટ કરે. માત્ર ટ્રાફિકના બહાને તેમની આજીવિકા છીનવી શકાય નહીં. વચગાળાની વ્યવસ્થા માત્ર એ હેતુથી હતી કે તેઓ ભૂખે ન મરે, પરંતુ કાયમી ઉકેલ કાયદા મુજબ જ હોવો જોઈએ.
G


