અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ એક રિક્ષાચાલકે એસિડ પીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકની પત્નીએ બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૃતક વસીમે શાહરુખ નામના શખસ પાસે 40 હજાર રૂપિયામાં રિક્ષા ગીરવે મૂકી હતી. જેમાં શાહરૂખ દરરોજ સવારે વસીમને રિક્ષા ચલાવવા આપતો હતો અને સાંજે અલ્લુ નામના અન્ય શખસને રિક્ષા ચલાવવા આપતો હતો. આ દરમિયાન એક દિવસ અલ્લુએ રિક્ષા આપવાની ના પડતા વસીમે એસિડ પીને આપઘાત કર્યો હતો.
ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ રિક્ષાચાલક વસીમે અલ્લુના ત્રાસથી કંટાળીને એસિડ પી લીધું હતું. જે બાદ વસીમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 22 જાન્યુઆરી, 2026ના રોજ મોત થયુ હતું. જેને લઈને વસીમની પત્ની શોકમાંથી બહાર આવ્યા બાદ આ ઘટના અંગે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં શાહરૂખ ઉર્ફે આચા અને અલ્લાહરખા ઉર્ફે અલ્લુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 18 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે વસીમની પત્ની તેના નણંદના ઘરે ઘઈ હતી, ત્યારે સાતેક વાગ્યે વસીમનો ફોન આવ્યો હતો. જેમાં વસીમે કહ્યું હતું કે, મારે રિક્ષા બાબતે અલ્લારખા ઉર્ફે અલ્લુ સાથે ઝઘડો થયો છે અને તેણે મને માર મારી રિક્ષા લઈ લીધી છે, જેથી હું દવા પીને મરી જઈશ, તું તારી રીતે ઘરે આવી જજે. ત્યારબાદ વસીમની પત્ની તાત્કાલિક ઘરે પરત ફરતાં કેલીકો મીલ પાસે તેનો પતિ મળ્યો હતો.

આ દરમિયાન વસીમે પત્નીને કહ્યું હતું કે, આપણી રિક્ષા મેં શાહરૂખને 40,000માં ગીરવે આપી હતી, જે સવારમાં મને અને સાંજે અલ્લુને ચલાવવા આપતો હતો. તે દિવસે જમાલપુર બ્રિજ નીચે રિક્ષા લેવા જતા અલ્લારખા અને શાહરૂખે ઝઘડો કરી, ‘હવે તને રિક્ષા નહીં મળે, તારે જે કરવું હોય તે કર, મરી જા’ તેમ કહ્યું હતું.
આ વાતનું મનદુઃખ રાખીને વસીમે તેની પત્નીની નજર સામે જ પ્લાસ્ટિકની બોટલમાં રહેલું એસિડ જેવું પીળા કલરનું પ્રવાહી પી લીધું હતું. જેને લઈને તાત્કાલિક વસીમને 108 દ્વારા એલ.જી. હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 22/1/2026ના રોજ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, પતિના અવસાન બાદ પત્ની શોકમાં હોવાથી અલ્લારખા ઉર્ફે અલ્લુ તથા શાહરૂખ ઉર્ફે આચા વિરુદ્ધ વસીમને મરવા માટે મજબૂર કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


