શ્રીનગરમાં શનિવારે સીઆરપીએફ જવાનો ભરેલી કાર નહેરમાં ખાબકી હતી. સૌરાના દાગપોરા વિસ્તારમાં CRPF બંકર વાહન રસ્તા પરથી લપસીને નહેરમાં પડી ગયું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા નવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જવાનો ઘાયલ થયા છે. અહમદનગરના દાગપોરા રોડ પર આ અકસ્માત થયો . ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર નહેરમાં પડી ગઇ હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતની વિગતો સૂચવે છે કે શ્રીનગરના અહમદ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી જ્યારે ડ્રાઇવરે બુલેટ પ્રૂફ બંકર વાહનનું સંતુલન ગુમાવ્યું હતું. વાહન રસ્તા પરથી સરકી ગયું અને પાણીની નહેરમાં પડી ગયું.ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા લોકો ઘટનાસ્થળે દોડી ગયા અને ફસાયેલા સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી. 21મી બટાલિયનના સૈનિકોને સારવાર માટે નજીકના સૌરા સ્થિત શેર-એ-ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે સૈનિકોને નાની ઈજાઓ થઈ છે અને તેમની સ્થિતિ સ્થિર જાહેર કરવામાં આવી છે.

ઘાયલ કર્મચારીઓની ઓળખ નાગિન્દર સિંહ (36), અજિત કુમાર રામ (36), રાજ કિશોર રાય (40), અમિત કુમાર યાદવ (38), રાજધન રામ (55), માનકર કુમાર (40) અને નીરજ કુમાર (45) તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તબીબી ટીમો તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.


