E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : 'એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…', અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR...

National : ‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મામલે NCP (SP) નેતા રોહિત પવારે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી છે અને આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છે.

રોહિત પવારે જણાવ્યું કે તેમણે આ અકસ્માત અંગે પોતાની રીતે તપાસ કરી છે, જેમાં અનેક ચોંકાવનારી ક્ષતિઓ સામે આવી છે. પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાવો કર્યો કે, જે કંપનીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું (VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ), તેને સત્તામાં બેઠેલા પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ પ્રાપ્ત છે. આ ઉપરાંત ષડયંત્રની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો કોઈ VSR કંપનીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય, તો તે પણ આ ષડયંત્રનો ભાગ છે. તેમણે DGCA ના અધિકારીઓ પર પણ કંપનીને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

રોહિત પવારે દાવો કર્યો કે, અકસ્માત સમયે વિમાનમાં એક નહીં પણ અનેક ધડાકા થયા હતા, જેનાથી બ્લેક બોક્સની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે.તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં મુસાફરોનો સામાન રાખવામાં આવે છે ત્યાં વધારાના પેટ્રોલના કેન રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી અને અકસ્માત થયો.

રોહિત પવારે કહ્યું કે, “આ મામલે જો અજિત પવારને કોઈ ન્યાય અપાવી શકે તેમ હોય તો તે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે. હું પીએમ મોદીને ઈમેલ દ્વારા પત્ર પણ લખીશ.” આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને પણ આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારનું 28 જાન્યુઆરી, 2026 ના રોજ એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત તેમના વતન બારામતીમાં લેન્ડિંગ દરમિયાન થયો હતો. તે Learjet 45 (રજિસ્ટ્રેશન VT-SSK) હતું, જે દિલ્હી સ્થિત VSR વેન્ચર્સ દ્વારા સંચાલિત હતું. અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા હતા, જેમાં પાઈલટ સુમિત કપૂર, કો-પાઈલટ શાંભવી પાઠક, કેબિન ક્રૂ પિંકી માલી અને ખાનગી સુરક્ષા અધિકારી વિદિપ જાદવનો સમાવેશ થાય છે. વિમાન બારામતી એરસ્ટ્રીપથી થોડા મીટર પહેલા સવારે 8:30 થી 8:45 ની વચ્ચે ક્રેશ થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments