આગામી ફાગણી પૂનમના મેળાને લઈને આજે વહેલી સવારથી જ અમદાવાદ-ડાકોર માર્ગ પર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લાખો ભક્તો પદયાત્રાએ નીકળી પડ્યા છે.ડાકોરના ઠાકોર અને રાજા રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લાખો ભક્તો પદયાત્રાએ નીકળી પડ્યા છે. આગામી ફાગણી પૂનમના મેળાને લઈને આજે વહેલી સવારથી જ અમદાવાદ-ડાકોર માર્ગ પર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
સમગ્ર માર્ગ ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હૈયે હરખ અને હાથમાં ધજા’ના સૂત્રો સાથે ગુંજી ઉઠ્યો છે. ભક્તો લાલ અને પીળી ધજાઓ લઈને ડાકોરના રણછોડરાયને અર્પણ કરવા માટે ઉમટી પડ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ પગપાળા યાત્રામાં જોડાઈને રણછોડરાયની ભક્તિમાં લીન જોવા મળ્યા છે.

અમદાવાદની હદ પૂરી થતા જ ખેડા જિલ્લાની રાસ્કા ચેકપોસ્ટ પર પદયાત્રીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અહીંથી ડાકોર સુધીના માર્ગ પર કેસરીયો સાફો અને ધજાઓ ધરાવતા ભક્તોની લાંબી લાઈનો લાગી છે. પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર-ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તો અને વિશ્રામની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનો એક ગણાય છે. પૂનમના દિવસે ભગવાન રણછોડરાયના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં લોકો ડાકોર પહોંચી રહ્યા છે. ફાગોત્સવના રંગે રંગાવા માટે પદયાત્રીઓ દિવસ-રાત જોયા વગર ડાકોર તરફ આગળ વધી રહ્યા છે.


