E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkot : બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો 'સોર્સ' મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી

Rajkot : બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી

રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવાનો છેલ્લા ઘણા સમયથી સીલસીલો શરૂ થયો છે. જો કે આ કૃત્યો કોણ કરી રહ્યું છે તે વિશે રાજ્યની પોલીસ અને એજન્સીઓ કોઇ માહિતી હજુ સુધી મળી નથી. આ સમયે રાજકોટ આવેલા રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે આ રીતે ધમકી આપનાર ‘સોર્સ’ વિશે માહિતી મળ્યાનું જણાવી ટૂંક સમયમાં આ બાબતે ખુલાસો થાય તેવા નિર્દેશો આપ્યા હતાં. 

ડો. રાવે આ બાબતને સંવેદનશીલ ગણાવી કહ્યું કે વિદેશ સ્થિત વીપીએનનો ઉપયોગ કરી મેઇલ અને ફેક કોલથી આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેના સોર્સ સુધી પહોંચી શકાયું છે. અમુક વખત સોર્સ દેશની બહારના પણ હોય છે તેમ કહી તેમણે આ પ્રકારની ધમકીઓ વિદેશથી મળતી હોવા તરફ અંગૂલીનિર્દેશ કરી કહ્યું કે આ માટે સેન્ટર ફોર એક્સલેન્સ અને હાઇએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાંચની ટીમો કાર્યરત છે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રવિવારે સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ડો. રાવે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ૨૦૨૪થી લઇ ૨૦૨૬ સુધીની ગુનાખોરી અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ અને પ્રાણઘાતક અકસ્માતો અંગે વિશેષ ધ્યાન રાખવા કહેવાયું છે.

રાજ્યમાં પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ માટે ગત સપ્ટેમ્બર માસથી એક જ એટલે કે ૧૧૨ નંબરની સેવા શરૂ કરવામાં આવી હતી. જે અંગે તેમણે જણાવ્યું કે આ સેવાનું મૂલ્યાંકન કરવામાં આવતા રાજકોટ શહેરમાં અગાઉ પોલીસનો રિસ્પોન્સ ટાઇમ જે ૧૨ થી ૧૪ મિનિટનો હતો તે હવે ઘટીને ૭ મિનિટનો થઇ ગયો છે. બીજી રેન્જમાં પણ આ સમયમાં ૫૦ ટકા જેવો ઘટાડો થયો છે. 

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને નાર્કોટિક્સ બાબતે વિશેષ  ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સિરિયસ ક્રાઇમના એક-બે બનાવને બાદ કરતાં મોટાભાગના ગુના ડીટેક્ટ થઇ ગયા છે. વધતા જતાં સાયબર ક્રાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે સાયબર ફ્રોડમાં ગોલ્ડન અવર હોય છે. એટલે કે ભોગ બનનાર જેટલી ઝડપથી ૧૯૩૦ ઉપર ફરિયાદ કરે એટલી ઝડપથી જ ટ્રાન્જેકશનના નાણાં રોકી શકાય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને ૫૦ કરોડ જેવી રકમ પરત કરાઇ છે. જો કે તેમણે કેટલી રકમ ગુમાવી તે અંગે કોઇ આંકડા જણાવ્યા ન હતાં. 

એકંદરે તેમણે સાયબર ફ્રોડના બનાવોમાં લોકો જાગૃત રહે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો.  રાજકોટના ઇતિહાસનુ સૌથી મોટુ જંગલેશ્વરનું ડિમોલીશન શાંતિપૂર્ણ રીતે પાર પડતાં આ માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments