RMC ફૂડ વિભાગ હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે શહેરીજનોએ લાખો રૂપિયાની ધાણી, દાળિયા, ખજૂર અને હારડા ખાઈ લીધા બાદ હવે ફૂડ વિભાગના અધિકારીઓ બજારમાં ચેકિંગ કરવા નીકળ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા (RMC) નો ફૂડ વિભાગ હંમેશા વિવાદોમાં રહ્યો છે, ત્યારે વધુ એકવાર તેમની ‘મોડી જાગવાની’ આદત સામે આવી છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે શહેરીજનોએ લાખો રૂપિયાની ધાણી, દાળિયા, ખજૂર અને હારડા ખાઈ લીધા બાદ, હવે ફૂડ વિભાગના અધિકારીઓ બજારમાં ચેકિંગ કરવા નીકળ્યા છે. જેને લોકો ‘નાટકરૂપી ડ્રાઈવ’ ગણાવી રહ્યા છે.

રાજકોટના સદર બજાર સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને જુદી-જુદી પેઢીઓમાંથી કુલ 20 નમૂના લીધા છે. આ નમૂનાઓમાં હોળીના સ્પેશિયલ ખાદ્ય પદાર્થો જેવા કે ધાણી, દાળિયા અને ખજૂરનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ વસ્તુઓનો સૌથી વધુ વપરાશ હોળીના દિવસે જ હોય છે, જે વીતી ગયા બાદ હવે તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે.


