SERમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. મુખ્યમંત્રીએ સુરત SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે 1185 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પને આ અમૃતકાલમાં વિકસિત ગુજરાત@2047થી સાકાર કરવાનો નિર્ધાર કર્યો છે. આ હેતુસર રાજ્યના સર્વાગી વિકાસને ગતિ આપવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન- ગ્રીટની રચના કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન, ઇન્ડિવિજુઅલ અને ઇન્સ્ટિટ્યુશન આધારિત લાંબાગાળાના અને પરિણામલક્ષી વિકાસનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગ્રીટ દ્વારા રાજ્યના સર્વાગી અને સંતુલિત વિકાસ માટે 6 ગ્રોથ હબ વિકસાવવા દરેક ક્ષેત્રની જરૂરીયાત મુજબ ખુબ જ ટુંકા ગાળામાં જે રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થયા છે.
SERમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે અને આ વિસ્તારો રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે. આ રોડ મેપ અંતર્ગત “અર્નિંગ વેલ – લિવિંગ વેલ”નો ધ્યેય પાર પાડવા રાજ્યમાં આર્થિક વિકાસથી અર્થવ્યવસ્થા સુદ્રઢ કરવાની જે નેમ મુખ્યમંત્રીશ્રીએ રાખી છે. તેમા સુરત ઇકોનોમિક રિજિયન લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ ધપાવવાના મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ સ્ટ્રેટેજિક મલ્ટી ડિસ્ટ્રીક આર્થિક ક્ષેત્રના વિકાસ માટેના ઈકોનોમિક માસ્ટર પ્લાનથી અમૃતકાલ વિઝનને પાર પાડવાના મહત્વપૂર્ણ પરિબળ તરીકે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે SERના પાંચ જિલ્લાઓમાં કુલ 383 કિલોમીટરના 24 કામો માટે આ 1185 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.

આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના પરિણામે સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ અને જી.આઇ.ડી.સી. વિસ્તારોને જોડતા માર્ગોની સુધારણા થવાથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને માલસામાન તથા શ્રમિકોની અવર-જવર વધુ સુગમ થશે. એટલું જ નહીં ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને મજબૂતી મળશે. SERમાં સમાવેશ થયેલા જિલ્લાઓમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કારણે ફીશરીઝ, હજીરા પોર્ટ, સુગર ફેક્ટરી, સુમુલ ડેરી, પાપડ ઉદ્યોગ, માઇનિંગ એન્ડ લિગ્નાઇટ પ્રોજેક્ટ જેવા વિવિધ ઉત્પાદન એકમો ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રને સીધો લાભ મળતો થશે. આ ઉપરાંત કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વના જી.આઇ.ડી.સી. વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત થવાથી ઔદ્યોગિક વિસ્તરણ દ્વારા વિકાસને પણ વેગ મળશે.
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અપગ્રેડેશનથી SERના જિલ્લાઓની ખેત પેદાશોના પરિવહનમાં ઝડપ આવશે અને ખેડૂતો પોતાના પાક ઉત્પાદનો તથા ચીજ વસ્તુઓ બજાર સુધી સરળતાથી પહોંચાડી શકશે તેમજ કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સિધ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવગુફા, અંજનીકુંડ, સંજાણની પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળોએ આવનારા પ્રવાસીઓને આ સંગીન રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન વધુ સરળતા આપશે. આ ઉપરાંત મહાલના જંગલો, સાપુતારા, વિલ્સન હિલ જેવા ટુરિસ્ટ પ્લેસિસ અને ઇકો ટુરીઝમ સ્થળોએ પહોંચવું સુગમ બનવાથી સમગ્રતયા પ્રવાસન પ્રવૃતિઓને નવી દિશા મળશે.
સુરત ઇકોનોમિક રિજિયનમાં મુખ્યત્વે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ એન્ડ કેમિકલ, ટેક્સટાઇલ, ફિશરિઝ જેવા પરંપરાગત સેક્ટર્સ ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીનહાઇડ્રોજન, લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોના વિકાસની નવી તકો આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનથી ઊભી થશે. આના પરિણામે યુવાશક્તિને મોટાપાયે રોજગાર સર્જનના અવસરો મળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SERને વિકસિત ગુજરાત@2047 માટેનું સ્ટ્રેટેજિક ગ્રોથ એન્જિન બનાવવાનો અભિગમ રાખ્યો છે અને 2047 સુધીમાં 3.5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના રાજ્યના વિઝનમાં આ SER જી.એસ.ડી.પી.માં 35% થી વધુ યોગદાન આપે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SER માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની આપેલી આ મંજૂરીને પરિણામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત આર્થિક વિકાસને નવું બળ મળતું થતાં સર્વગ્રાહી વિકાસના નવા સિમાચિન્હો આ SER સર કરશે.


