વલ્લભવિદ્યાનગરના જાણીતા ગણાતા ‘રોઝ સ્પા’માં સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના કાળા કારોબારનો આણંદ SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં આવતા ગ્રાહકોને મસાજના બહાને અનૈતિક પ્રવૃત્તિ પીરસવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે છાપો મારીને સ્થળ પરથી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય સ્પા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
આણંદ SOG દ્વારા કરવામાં આવેલી આ રેડ દરમિયાન કુલ 9 યુવતીઓને છોડાવવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલી યુવતીઓ પૈકી 2 યુવતીઓ થાઈલેન્ડની છે, જ્યારે અન્ય 7 યુવતીઓ ભારતની વતની છે. વિદેશી યુવતીઓને અહીં લાવીને દેહ વિક્રયના વ્યવસાયમાં ધકેલવામાં આવતી હોવાની આશંકાએ પોલીસે માનવ તસ્કરી અને વિઝાના નિયમોના ભંગ અંગે પણ તપાસ તેજ કરી છે.

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ આખું સેક્સ રેકેટ એક મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી ઉંચી રકમ વસૂલીને આ સંચાલિકાઓ દેહ વ્યાપારનું નેટવર્ક ચલાવતી હતી. હાલ આણંદ એસઓજીએ આ મામલે ગુનો નોંધીને સંચાલિકાઓની અટકાયત કરી છે અને આ રેકેટના તાર અન્ય ક્યાં શહેરો સાથે જોડાયેલા છે તેની તપાસ શરૂ કરી છે.


