ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજ(24 એપ્રિલ 2026) રોજ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ‘પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ’ (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. RBI એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, 24 એપ્રિલના રોજ કામકાજના કલાકો પૂરા થયા બાદથી આ આદેશ અમલી બની ગયો છે.RBIના જણાવ્યા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તેની કામગીરી કરવાની રીત ગ્રાહકો તથા થાપણદારોના હિતમાં નહોતી. બેંકના મેનેજમેન્ટ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે બેંકને વધુ સમય આપવો એ જાહેર હિતમાં નથી, કારણ કે તે લાયસન્સ માટેની જરૂરી શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ લાયસન્સ રદ થયા બાદ હવે RBI હાઈકોર્ટમાં અરજી કરશે જેથી બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

ગ્રાહકો માટે રાહતના સમાચાર
ગ્રાહકો માટે રાહતના સમાચાર આપતા RBI એ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે પૂરતી લિક્વિડિટી (નાણાં) ઉપલબ્ધ છે, જેથી તે તેના તમામ થાપણદારોના પૈસા પરત કરી શકશે. એટલે કે, જે લોકોના પૈસા બેંકમાં જમા છે, તેઓને ચિંતા કરવાની જરૂર નથી; બેંક બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના નાણાં પરત કરવાની ખાતરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મુશ્કેલીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. માર્ચ 2022માં RBI એ બેંકને નવા ગ્રાહકો જોડતા અટકાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પણ તેના વોલેટ અને ડિપોઝિટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આખરે, લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને કારણે આજે બેંકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભારતીય ફિનટેક સેક્ટરમાં મોટો ખળભળાટ મચી ગયો છે.


