અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં એક પરપ્રાંતીય યુવકે પ્રેમ સંબંધમાં જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાવળાની અવધપુરી સોસાયટીમાં ભાડે રહેતા યુવકે પોતાની પ્રેમિકા સાથેના વિવાદ બાદ મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કરવી તાલુકાના કછારપુર્વા ગામનો વતની 25 વર્ષીય અમિતકુમાર બૈજનાથ ધોબી બાવળાની અવધપુરી સોસાયટીના મકાન નંબર 10 માં ભાડે રહેતો હતો. અમિતકુમારને રાગિણી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. 7 માર્ચના રોજ સવારથી સાંજ સુધીના ગાળામાં કોઈ બાબતે મનદુઃખ થતા અથવા લાગી આવતા, અમિતે પંખા સાથે ચાદરનો ગાળિયો બનાવી આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની કરૂણતા એ છે કે, અમિત આત્મહત્યા કરવા જઈ રહ્યો છે તેની જાણ રાગિણીને થઈ હતી. તેણે તાત્કાલિક અમિતના મિત્રોને મેસેજ કરી તેને બચાવવા માટે વિનંતી કરી હતી. જોકે, મિત્રો ઘટના સ્થળે પહોંચે અને દરવાજો તોડીને અંદર પ્રવેશે તે પહેલા જ અમિતકુમારનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
બનાવની જાણ થતા જ બાવળા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર વતનમાં પહોંચતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસ હાલ રાગિણી અને અમિતના મિત્રોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી રહી છે.


