ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ વચ્ચે બની રહેલા મહત્વકાંક્ષી ગ્રીન કોરિડોર હાઈવેનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા માટે અસરગ્રસ્ત ખેડૂત મંડળ બનાવીને ઉગ્ર લડત આપી રહ્યા છે. આ લડતના ભાગરૃપે આજે કલોલ મુકામે યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગેરહાજર રહેતા વહીવટી તંત્રને નમતું જોખવું પડયું છે અને સુનાવણી રદ કરવાની ફરજ પડી છે.

કલોલ પ્રાંત અધિકારી સમક્ષ આજે માણસા અને કલોલ તાલુકાના ૮ ગામોના ખેડૂતોની રજૂઆતો સાંભળવા માટે સુનાવણી રાખવામાં આવી હતી. શોભાસણ ગામ સહિતના અસરગ્રસ્ત ખેડૂતો પોતાના પાયાના સવાલો અને વાંધાઓ સાથે હાજર થયા હતા. જોકે, ટેકનિકલ અને પ્રોજેક્ટ સંબંધિત સવાલોના જવાબ આપવા માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર ન રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગંભીર નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ કલોલ પ્રાંત અધિકારીએ તમામ ૮ ગામોની સુનાવણી કેન્સલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે પછીની તારીખ પ્રોજેક્ટ ડાયરેક્ટરની હાજરીની ખાતરી બાદ જ જાહેર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં અગાઉ બે વખત બહાર પાડવામાં આવેલા જાહેરનામા તેની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રક્રિયા પૂરી ન થતા લેપ્સ થઈ ગયા છે. હવે ત્રીજી વખત નવું જાહેરનામું બહાર પાડી ખેડૂતો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા છે. અગાઉ આ પ્રોજેક્ટના વિરોધમાં હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓને બંધક બનાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે ખેડૂતોનો આક્રોશ દર્શાવે છે.


