ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ પહેલા ફોર્મમાં ન હતો, પરંતુ તેને ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરી. તેને આનું રહસ્ય જાહેર કર્યું છે.ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને ઓપનર અભિષેક શર્માએ બધાનું ધ્યાન ખેંચ્યું. ઘણી નિષ્ફળતાઓ પછી અભિષેક શર્માએ શાનદાર ઈનિંગ રમી, જેનાથી ટીમ ઈન્ડિયાને એક ભવ્ય સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.
ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તે સમયે ખરાબ ફોર્મમાં રહેલા અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રન બનાવ્યા. 247.62 ના સ્ટ્રાઈક રેટથી રમતા અભિષેકે 6 ચોગ્ગા અને 3 જબરદસ્ત છગ્ગા પણ ફટકાર્યા.

આ શાનદાર ઈનિંગ પાછળનું રહસ્ય જણાવતા અભિષેક શર્માએ કહ્યું કે “મેં શિવમ દુબેના બેટથી બેટિંગ કરી. તેથી હું શિવમ દુબેનો આભાર માનવા માગુ છું. સવારે મેં વિચાર્યું કે મારે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શુભમન ગિલ આસપાસ ન હતો, તેથી મેં શિવમ દુબેનું બેટ ઉપાડ્યું.” શિવમ દુબે ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ફોર્મમાં હતો, લગભગ દરેક મેચમાં ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઈનિંગ રમી રહ્યો હતો.
શરૂઆતમાં નિષ્ફળતાઓ હોવા છતાં અભિષેક શર્માને ટીમ દ્વારા મજબૂત સપોર્ટ મળ્યો. આ વિશે બોલતા તેને કહ્યું કે “છેલ્લા એક મહિનાથી મારી સાથે જે થઈ રહ્યું છે તેનાથી હું સંઘર્ષ કરી રહ્યો છું. આ સમય દરમિયાન તમને ફક્ત એક જ વસ્તુ ચાલુ રાખે છે તે છે તમે જે કંપની રાખો છો તે. જ્યારે તમારી આસપાસના લોકો તમને સુધારવામાં મદદ કરે છે, ત્યારે તે ફરક પાડે છે. જ્યારે હું બેટ સાથે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, ત્યારે બધાએ મારામાં વિશ્વાસ કર્યો. બધાએ કહ્યું કે હું તે કરી શકું છું.”


