કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ગેસ ભરેલું જહાજ પહોંચતા ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઘટના બની છે. માહિતી અનુસાર શિવાલીક શીપ ભારતની જળસીમામાં પ્રવેશ્યા બાદ મુંદ્રા પોર્ટના એન્કરેજ એરિયામાં પહોંચી ગયું છે.મળતી માહિતી મુજબ શિવાલિક જહાજ ઈરાનથી ગેસ ભરીને ભારત આવ્યું છે. જહાજમાં આશરે 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરાયેલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જહાજ પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચ્યા બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગેસ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત વધુ એક ગેસ ભરેલું જહાજ નંદાદેવી પણ ભારત તરફ આવી રહ્યું છે. નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને જહાજોમાં મળીને કુલ આશરે 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભારત લાવવામાં આવી રહ્યો છે.
ઊર્જા ક્ષેત્ર માટે આ ગેસનો જથ્થો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશભરમાં ઉદ્યોગો અને ઘરેલુ ઉપયોગ માટે ગેસની વધતી માંગને ધ્યાનમાં રાખીને આવા મોટા જથ્થાનો પુરવઠો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


