ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે ભાજપે મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના વિવિધ સમીકરણોને સાધી શકાય. બંગાળમાં ચૂંટણી જંગ આ વખતે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે કારણ કે ભાજપ ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને ટિકિટ આપી છે. ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકથી શુભેન્દુ અધિકારીને બે બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2000 મતથી હરાવ્યા હતા. બાદમાં ભવાનીપુરથી પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગત વખત જીત હાંસલ કરી હતી.
બીજી તરફ, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય કેરલમમાં પણ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પક્ષે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પક્ષના પાયાના કાર્યકરોથી લઈને જાણીતા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કેરલમમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે. કેરલમમાં પરંપરાગત રીતે ચાલતા આવતા રાજકીય ગઠબંધનો વચ્ચે ભાજપ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા માટે આ ઉમેદવારો દ્વારા જનતા સુધી પહોંચશે. બંને રાજ્યોમાં ઉમેદવારોની આ જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નેમોનથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર ચૂંટણી લડશે. ત્યારે કઝાક્કુટ્ટમથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને ઉતાર્યા છે. ભાજપે મલયાલમની જાણિતા લેખત આર.શ્રીલેખાને વટ્ટિયૂરકાવુથી ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને મંજેશ્વરથી અને પી.કે.કૃષ્ણદાસને કાટ્ટાકાડાથી ટિકિટ આપી છે.
જણાવી દઈએ કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.
ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.


