નવસારીમાં DGVCL ની બેદરકારીથી 16 વર્ષીય કિશોરી પર અચાનક જીવંત વીજતાર તૂટી પડતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત થયું છે.નવસારી શહેરમાં DGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના કૃષિ વિશ્વવિદ્યાલયની સામેના વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય કિશોરી પર અચાનક જીવંત વીજતાર તૂટી પડતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કમનસીબે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કિશોરીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આયુષી નાયકા નામની કિશોરી જ્યારે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ઉપરથી પસાર થતો હાઈટેન્શન વીજતાર તૂટીને તેના પર પડ્યો હતો. જીવંત વાયરમાંથી વહેતા જોરદાર વીજ પ્રવાહને કારણે કિશોરીને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ ફસડાઈ પડી હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલી આયુષીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
માત્ર 16 વર્ષની વયે આયુષીનું અકાળે અવસાન થતા તેના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં DGVCL પ્રત્યે ભારે રોષ છે. લોકોનો આરોપ છે કે જર્જરિત વીજતારોના મેન્ટેનન્સમાં તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને કારણે આજે એક માસૂમે જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


