થરાદના ઢીમાં ચાર રસ્તા પાસે ચાલતી બસમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. ડ્રાઈવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી, તમામ મુસાફરો સુરક્ષિત છે.
વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. થરાદના ધરણીધર ઢીમાં ચાર રસ્તા પાસે એક ચાલતી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, બસ ચાલકની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મુસાફરો ભરેલી બસ જ્યારે ધરણીધર તાલુકા મથક નજીક ઢીમાં ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ચાલુ બસે ધુમાડા નીકળતા જોઈ ડ્રાઈવર તરત જ સતર્ક થઈ ગયો હતો અને બસને ઊભી રાખી દીધી હતી. ડ્રાઈવરે બૂમાબૂમ કરતા મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી, પરંતુ સમયસર તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા.

મુસાફરો નીચે ઉતર્યાની ગણતરીની મિનિટોમાં જ આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. બસ સળગતી જોઈ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ એકઠા થઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.
સદનસીબે ડ્રાઈવરની હાજરબુદ્ધિ અને સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો ડ્રાઈવરે સમયસર બસ ન ઊભી રાખી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


