HomeGujaratAmreli : 'મારી માએ માથે લાકડા ઉઠાવી ચૂલા સળગાવ્યા', જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ...

Amreli : ‘મારી માએ માથે લાકડા ઉઠાવી ચૂલા સળગાવ્યા’, જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમરેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની માતાના સંઘર્ષને યાદ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગેસની અછત અને ‘ઇટાલી’ કનેક્શન પર નિશાન સાધ્યું છે.

અમરેલી માર્કેટ યાર્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના બાળપણ અને માતાના સંઘર્ષને યાદ કરી ઉપસ્થિત જનમેદની સમક્ષ ભાવનાત્મક રજૂઆત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના શાસનમાં સામાન્ય જનતા પાયાની સુવિધાઓ માટે તરસતી હતી.

જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, મારી માએ માથે લાકડા ઉઠાવીને ઘરનો ચૂલો સળગાવ્યો છે, એ દિવસો ક્યારેય ભૂલી ના જશો. તેમણે ઉમેર્યું કે, તેમની માતાએ મજૂરી કરીને તેમને સંસ્કાર આપ્યા છે અને આજે આ સ્થાન સુધી પહોંચાડ્યા છે. તેમણે પોતાની અને સામાન્ય જનતાની માતા-બહેનોના સંઘર્ષને ભાજપ સરકારની ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ સાથે સાંકળીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં ગેસનો બાટલો મેળવવા માટે પણ મોટી લાગવગ જોઈતી હતી. માત્ર મોટા માણસોને જ સુવિધા મળતી હતી, જ્યારે ગરીબો લાકડા પર રાંધવા મજબૂર હતા. તેમણે આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, તમારા નેતાઓ ઇટાલીથી આવ્યા છે, તેમને ચૂલા અને ધુમાડાની તકલીફની સમજ ક્યાંથી હોય? તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, કોંગ્રેસે હંમેશા માતા-બહેનોનું અપમાન કર્યું છે.

જગદીશ વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોડીએ જે રીતે લોકોની સેવા કરી છે, તેના કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. તેમણે દાવો કર્યો કે, આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે. આ ઉગ્ર નિવેદનને પગલે અમરેલી સહિત રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments