સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં આજે(31 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા પાંચ લોકોના મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અચાનક લાગેલી આ ભયાનક આગે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હતો. ઘરમાં મૂકેલા જ્વલનશીલ કેમિકલના જથ્થામાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેને લઈને ઘરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં પાંચ લોકો દાઝ્યાં હતા, જે પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પર તબીબોએ મૃત જાહેર કર્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
તંત્ર દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવાની અને ઘટનાસ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોમાં ભારે આઘાત અને આક્રંદ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.


